ભાવનગરની પોલીસની જીપે અનેક વાહનને અડફેટે લીધા

680

શહેરના બાપુનગર વિસ્તારમાં હીરાવાડી ચાર રસ્તા નજીક ભાવનગર પોલીસની એક ગાડી દ્વારા સર્જવામાં આવેલા ગંભીર અકસ્માતમાં એક રીક્ષાચાલકનું મોત નીપજયુ હતુ, જયારે અન્ય એક બાઇકચાલકને ઇજા પહોંચી હતી. સ્થાનિક લોકોએ ભાવનગર પોલીસની ગાડીમાં કારક હંકારનાર પોલીસ કર્મી ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. અક્સ્માતની જાણ થતાં જ બાપુનગર પોલીસ અને જી ડિવીઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આ અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવતાં એ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે, ભાવનગર પોલીસની આ જીપ પૂરપાટઝડપે આવી રહી હતી અને તે બીઆરટીએસ કોરીડોરમાંથી આવી હતી. પોલીસ જીપે રીક્ષાચાલકને જોરદાર ટક્કર માર્યા બાદ એકદમ ફુલસ્પીડમાં ટર્નિંગમાં બાઇકચાલકને હડફેટેે લઇ લીધો હતો. ભાવનગર પોલીસની જીપમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. એટલું જ નહી, ગભરાઇ ગયેલા જીપમાં બેઠેલા પોલીસ કર્મચારીઓ અક્સ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના બાપુનગર વિસ્તારમાં હીરાવાડી ચાર રસ્તા નજીક ભાવનગર પોલીસની એક ગાડી દ્વારા એક રીક્ષા સહિતના વાહનો અને રાહદારીઓને હડફેટે લઇ બહુ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસની જીપની જોરદાર ટક્કરથી રીક્ષાચાલકને તો ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયુ હતુ, જયારે અન્ય એક બાઇકચાલક પણ ઘાયલ થયો હતો. આ સિવાય અન્ય એક વ્યકિતને પણ ઇજા પહોંચી હતી, જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બીજીબાજુ, રીક્ષાચાલકના મોતને લઇ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા અને બહુ રોષે ભરાયા હતા. આક્રોશિત લોકોએ ભાવનગર પોલીસની જીપને આગળ જતી અટકાવી દીધી હતી અને પોલીસને ઘેરી લીધી હતી. જેને લઇને સમગ્ર મામલો ગરમાયો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ભાવનગર પોલીસની જીપ ચલાવનાર ડ્રાઇવર પોલીસ કર્મી પીધેલી હાલતમાં હતો અને તેથી તેણે વાહનોને હડફેટે લઇ જીવલેણ અકસ્માત સર્જયો. લોકોના ટોળેટોળા ભેગા થવાથી આ વિસ્તારમાં ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. બીજીબાજુ, અક્સ્માતની જાણ થતાં જ બાપુનગર પોલીસ અને જી ડિવીઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એકત્ર ટોળાને વિખેરવા એક તબક્કે સામાન્ય લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી. પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleખનિજ ચોરી કેસમાં પૂર્વ એમએલએ ભગા બારડની સજા પર હાઈકોર્ટે સ્ટે આપ્યો
Next articleસરકારના ક્લાસ વન અધિકારી IAS બની શકશે, પરિપત્ર જાહેર