રોજગાર માટે સરકાર ઉદ્યોગોને બજાર કિંમતે જમીન ફાળવે છે

597

ઔદ્યોગિક વિકાસ અને રોજગારીના સર્જન માટે રાજ્ય સરકાર ઉદ્યોગોને બજાર ભાવે જ જમીન ફાળવે છે, આ અંતર્ગત ગાંધીનગરના કોબા ખાતે મે. એકવાલાઇન પ્રોપર્ટીઝ પ્રા.લિ.ને આઇ.ટી./આઇટીઇએસને ‘સેઝ પાર્ક’ સ્થાપવા માટે જે જમીન ફાળવવામાં આવી હતી તેના પેટે જે-તે સમયે પ્રતિ ચોમીના ૪૭૦/-ના બજારભાવે ૧૭,૬૯,૯૩,૦૦૦ની કિંમત વસુલ કરવામાં આવી હતી. આ અંગેની માહિતી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિધાનસભામાં એક પ્રશ્નનો ઉત્તર પાઠવતા જણાવ્યું હતું.

રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, યુવાનોને તેમાંથી રોજગારી મળી રહે તે હેતુથી એસઇઝેઙની રચના કરવામાં આવે છે. એસઇઝેડમાં ઉદ્યોગોને ખાસ સગવડો, આર્થિક લાભ આપીને વધુ પ્રોત્સાહિત કરવામાં આવે છે, તેમ ધારાસભ્ય રાકેશ શાહ દ્વારા પૂછાયેલ પૂરક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ ઉમેર્યું હતું.

પાણી પુરવઠા મંત્રી કુંવર બાવળીયાએ જણાવ્યું હતું કે, ૨૦૨૪ સુધી નલ સે જલ કાર્યક્રમ હેઠળ દેશના નાગરિકોને સ્વચ્છ પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે. મહેસાણા જિલ્લામાં આંતરિક પેયજળ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં નળ જોડાણ વધારો કાર્યક્રમ માટે તા. ૩૧.૦૩.૨૦૧૮ સુધી ૪૫.૯૨ લાખના ખર્ચે બે યોજનાઓ તથા તા.૩૧.૦૩.૨૦૧૯ સુધી ૭૫ યોજનાઓ ૧૧.૫૧ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે.

મંત્રીએ રાજ્યમાં પીવાના પાણી માટે ૪૨૦૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે તેની જાણકારી આપી ૨૦૨૨ સુધીમાં તમામને સ્વચ્છ પીવાનું પાણી પુરૂ પાડવાની નેમ વ્યક્ત કરી હતી.

Previous articleસરકારના ક્લાસ વન અધિકારી IAS બની શકશે, પરિપત્ર જાહેર
Next articleદરિયાઈ માર્ગથી હેરાફેરીને રોકવા સરકાર પૂર્ણ કટિબદ્ધ