શેરબજારમાં આજે જોરદાર લેવાલીનું મોજુ ફરી વળ્યું હતું. દલાલ સ્ટ્રીટમાં વેચવાલી માટે અનેક પરિબળો જવાબદાર દેખાઈ રહ્યા છે. વ્યાજદરમાં વધુ ઘટાડો કરવામાં આવે તેવા સંકેત હાલમાં દેખાઈ રહ્યા છે. એશિયન શેરબજારમાં આજે આની અસર જોવા મળી હતી. બેંચમાર્ક સેંસેક્સ ૨૬૬ પોઇન્ટ ઉછળીને ૩૮૮૨૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. હિરો મોટો, ઇન્ડસઇન્ડ બેંક, તાતા મોટર્સ અને વેદાંતાના શેરમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૮૪ પોઇન્ટ ઉછળીને ૧૧૫૮૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. હાલમાં ચાલી રહેલી વેચવાલી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. બ્રોડર નિફ્ટીના શેરમાં પણ લેવાલી જોવા મળી હતી. રિયાલીટી, બેંકિંગ અને ઓટો જેવા રેટલક્ષી શેરમાં બ્રોડ આધારિત લેવાલી જામી હતી. બેંચમાર્ક ઇન્ડેક્સમાં સુધારો રહ્યો હતો. બીએસઈ સેંસેક્સ અને બ્રોડર નિફ્ટી ક્રમશઃ ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. બંનેમાં ૩૮૮૯૨ અને ૧૧૫૯૯ની સપાટી એક વખતે જોવા મળી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૮૦ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૪૯૫ રહી હતી. આવી જ રીતે સ્મોલકેપમાં ૫૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૭૫૫ જોવા મળી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો આજે તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં તેજી રહી હતી. નિફ્ટી ઓટો અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ક્રમશઃ ૧.૮૬ અને ૧.૭૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી મેટલ, ફાર્મા અને રિયાલીટીમાં ક્રમશઃ ૧.૭૭, ૧.૨૬ અને ૧.૨૯ ટકાનો સુધારો થયો છે. રેલીગર એન્ટરપ્રાઇઝના શેરમાં અપરસર્કિટની સ્થિતિ જોવા મળી હતી. કોમોડિટી માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં આજે સપાટી ૬૭.૪૭ રહી હતી. જૂન મહિના માટેના સીપીઆઈ ફુગાવાના આંકડા ૧૨મી જુલાઈના દિવસે જારી કરવામાં આવશે. મે મહિનામાં રિટેલ ફુગાવો મે મહિનામાં ૩.૦૫ ટકાની સાત મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચ્યો હતો. ફુગાવો સાત મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચ્યો હોવા છતાં આરબીઆઈ દ્વારા જે સપાટી નક્કી કરવામાં આવી છે તેના કરતા ફુગાવો હજુ પણ ઓછો રહ્યો છે. એપ્રિલ મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ૨.૯૯ ટકાનો રહ્યો હતો તે પહેલા ૨.૯૨ ટકાનો આંકડો નોંધાયો હતો. કારોબારના અંતે સેંસેક્સ ગઇકાલે બુધવારના દિવસે ૧૭૪ પોઇન્ટ ઘટીને ૩૮૫૫૭ની નીચી સપાટીએ રહ્યો હતો.બ્રોડર નિફ્ટી ૫૭ પોઇન્ટ ઘટીને ૧૧૪૯૮ની નીચી સપાટીએ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સતત પાંચ મહિના સુધી લેવાલીમાં રહ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારોએ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૪૭૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. બજેટ પહેલાની અપેક્ષાઓ અને વૈશ્વિક ટ્રેડ ટેન્શન લઇને વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર બનેલા છે જેના કારણે વેચવાલીનું વલણ અપનાવ્યું છે. આ પહેલા વિદેશી મૂડીરોકાણકારો દ્વારા સતત પાંચ મહિના સુધી ભારતીય મૂડી માર્કેટમાં જંગી નાણાં ઠાલવ્યા હતા. એફપીઆઈ દ્વારા જૂન મહિનામાં ૧૦૩૮૪.૫૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં રોકવામાં આવ્યા હતા.