ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આજે ભાજપ પ્રમુખ અમિત શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે વિસ્તારપૂર્વક વાતચીત કરી હતી. ગોવામાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે, કોંગ્રેસના ૧૦ ધારાસભ્ય વિધિવતરીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ચુક્યા છે. બુધવારના દિવસે આ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. આ તમામ ધારાસભ્યોની સાથે સાવંત રાષ્ટ્રીય પાટનગર દિલ્હી પહોંચ્યા હતા અને શાહ અને ભાજપના કારોબારી પ્રમુખ જેપી નડ્ડા સાથે વાતચીત કરી હતી. પાર્ટીના ટોચના નેતાઓ સાથે કયા મુદ્દા ઉપર વાતચીત થઇ તે અંગે કોઇ માહિતી મળી શકી નથી પરંતુ કેબિનેટમાં ફરી રચના કરવામાં આવે તેવી શક્યતા છે. ગોવા કેબિનેટમાં આ ૧૦ ધારાસભ્યોને સામેલ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
સાવંતને કેટલાક વર્તમાન પ્રધાનોને પડતા મુકવા પડશે જે પૈકી ઘણા ભાજપના સાથી પક્ષોના હોઈ શકે છે. આ તમામનું સમર્થન સરકારને ટકાવી રાખવામાં મહત્વપૂર્ણ રહ્યું છે. કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કરવા મોટો પડકાર રહેશે. ૪૦ સભ્યોની ગોવા વિધાનસભામાં તેની સંખ્યા હવે ૨૭ થઇ ગઇ છે. ભાજપને હવે ગોવા ફોરવર્ડ પાર્ટી અને અપક્ષો સહિત તેના સાથી પક્ષો ઉપર આધાર રાખવાની જરૂર રહેશે નહીં. એકબાજુ કોંગ્રેસે તેના ધારાસભ્યોને ખેંચી લઇને લોકશાહીની હત્યા કરવાનો ભાજપ ઉપર આક્ષેપ કર્યો છે. જ્યારે ગોવાના મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું છે કે, તેઓ તેમની પાર્ટીમાં જોડાયા છે. સ્વૈચ્છિકરીતે અને કોઇ ઇચ્છાશક્તિ વગર જોડાયા છે. આ લોકો ગોવામાં વિકાસ કામગીરીને આગળ વધારવા ઇચ્છુક છે. ગોવામાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ મજબૂત બની રહી છે. બીજી બાજુ કર્ણાટક કોંગ્રેસમાં કટોકટી પ્રવર્તી રહી છે હવે ગોવામાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડી ગયો છે.