ખેડૂતો સાથે સરકાર ભેદભાવો કરી રહી છે : રાહુલનો આક્ષેપ

416

સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કારમી હાર થયા બાદ પાર્ટી પ્રમુખ તરીકે રાજીનામુ આપી ચુકેલા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં શૂન્ય કલાક દરમિયાન ખેડૂતોની સમસ્યાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, મોદી સરકાર ખેડૂતો સાથે ભેદભાવ કરી રહી છે. રાહુલે કહ્યું હતું કે, અમીરોના લાખો કરોડોનું દેવું માફ કરવામાં આવી રહ્યું છે પરંતુ ખેડૂતો માટે કોઇ નિર્ણય કરવામાં આવી રહ્યા નથી. આના જવાબમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, ખેડૂતોની દયનીય સ્થિતિ માટે કોંગ્રેસની અગાઉની સરકારો પણ જવાબદાર રહેલી છે. શૂન્યકલાકમાં ખેડૂતોના મુદ્દાને ઉઠાવતા રાહુલે કહ્યું હતું કે, તેમના સંસદીય ક્ષેત્ર કેરળના વાયનાડમાં મંગળવારના દિવસે દેવામાં ડૂબેલા એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. વાયનાડમાં બેંકોથી લોન લેનાર ૮૦૦૦ ખેડૂતોને નોટિસ ફટકારવામાં આવી ચુકી છે. તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે. રાહુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ભાજપ સરકારે અમીરોના ૫.૫ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે પરંતુ ખેડૂતો માટે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. રાહુલે કહ્યું હતું કે, સરકારે ખેડૂતોને લઇને ઘણા વચનો આપ્યા છે પરંતુ આ વચનોને પૂર્ણ કરવા માટે કોઇ પગલા લેવાઈ રહ્યા નથી. જવાબમાં રાજનાથસિંહે કહ્યું હતું કે, ખેડૂતોની સમસ્યા માટે અગાઉની કોંગ્રેસ સરકારો જવાબદાર છે.

રાજનાથસિંહના નિવેદન બાદ ભારે ધાંધલ ધમાલ શરૂ થઇ ગઈ હતી. કોંગ્રેસના સભ્યોએ ધાંધલ ધમાલ મચાવીને સુત્રોચ્ચાર કર્યા હતા. રાજનાથસિંહે કહ્યું હતું કે, ખેડૂતોની આવી સ્થિતિ છેલ્લા પાંચ વર્ષમાં થઇ નથી. છેલ્લા ૭૦ વર્ષથી કોંગ્રેસ દ્વારા સરકાર ચલાવવામાં આવી છે. ખેડૂતોની દયનીય સ્થિતિ માટે આ તમામ લોકો જવાબદાર છે. કોંગ્રેસના શાસનકાળમાં ખેડૂતોએ વધારે પ્રમાણમાં આપઘાત કર્યા છે. સરકારે પાંચ વર્ષમાં લઘુત્તમ સમર્થન મૂલ્યમાં વધારો કર્યો છે.

પાંચ વર્ષમાં લઘુત્તમ સમર્થન મૂલ્યમાં જે રીતે વધારો કરાયો છે કે, અગાઉના વર્ષોમાં ક્યારેય કરાયો નથી. ખેડૂતોની આવકને બે ગણી કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી વેળા સંકલ્પપત્રમાં પણ ભાજપે અનેક વચનો આપ્યા હતા જે દિશામાં પહેલ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી અને રાજનાથસિંહ વચ્ચે હાલના દિવસોમાં જુદા જુદા વિષયો ઉપર ખેંચતાણ થઇ રહી છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કારમી હાર થઇ હતી.

કોંગ્રેસ પાર્ટીને માત્ર ૫૨ સીટો મળી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ૩૦૩ સીટો જીતીને જોરદાર સપાટો બોલાવ્યો હતો. મોદી લહેર વચ્ચે આ સપાટો બોલાવવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ લોકસભાનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે.

Previous articleગોવા : ૧૦ કોંગી ધારાસભ્ય વિધિવત રીતે ભાજપમાં ઇન
Next articleસુપ્રીમ કોર્ટના વકીલ ઇન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના ઘરે સીબીઆઈના દરોડાં