સીએમ રૂપાણીએ રૂ. ૬ કરોડનાં ખર્ચે નવનિર્મિત તેરાપંથ ભવનનું ઉદ્દઘાટન કર્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવનારી સદી ભારતની સદી વર્ણવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવી પેઢી સહિત લોકોમાં જૈન ધર્મના અનેકાંત, અપરિગ્રહ અહિંસાના સિધ્ધાંતોને વૈજ્ઞાનિક તથ્યો સાથે પ્રસ્થાપિત કરીને વિશ્વનું દિશાદર્શન ભારત કરશે.
મુખ્યમંત્રીએ અમદાવાદમાં તેરાપંથ સમાજના રૂ. ૬ કરોડના ખર્ચે નવનિર્મિત તેરાપંથ ભવનનું ઉદ્દઘાટન કરતાં સંબોધન કર્યુ હતું. તેમણે જૈન સમાજના આચાર્ય ભિક્ષુકજી, તુલસીજીથી લઇને યુવા આચાર્ય મહાપ્રજ્ઞેયજીએ આધ્યાત્મિક ચેતના જગાવવાના જે યજ્ઞ આદર્યા છે તેને આ ભવનનની ગતિવિધિઓથી વેગ મળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાત અહિંસા, સદાચાર અને જીવદયા, સૌને અભયદાન જેવા કાર્યક્રમોથી ભારતનું રોલ મોડેલ બન્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં જીવ માત્રની રક્ષા માટે આપણે સંપૂર્ણ પ્રતિબધ્ધતા દાખવીને ગૌવંશ હત્યા સામે કડક કાયદો બનાવ્યો છે. જીવીત પશુઓની નિકાસ કરનારાઓ સામે પણ સખ્તાઇથી પેશ આવી રૂક જાવનો આદેશ આપ્યો છે.
રાજ્યમાં પગપાળા વિચરણ કરતા જૈન સાધુ-સાધ્વીઓને માર્ગ અકસ્માતથી રક્ષણ આપવા પગદંડી તહેત રપ૦ કિ.મી.ના કામો થયા છે. આ વર્ષે નવા રપ૦ કિ.મી.ના કામો વેગવાન બનાવવાની ભૂમિકા પણ વિજય રૂપાણીએ આપી હતી.