માનહાનિ કેસ : રાહુલ ગાંધી આજે મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત

515

કોંગ્રેસના પ્રમુખ પદેથી હાલમાં જ રાજીનામુ આપી દીધા બાદ રાહુલ ગાંધીની મુશ્કેલી ઓછી થઇ રહી નથી. રાહુલ ગાંધીને આવતીકાલે શુક્રવારના દિવસે અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે. એડીસી બેંક તરફથી દાખલ કરવામાં આવેલા કેસમાં કોર્ટે તેમને ૧૨મી જુલાઈના દિવસે હાજર થવા માટે સૂચના આપી છે. કોંગ્રેસ એરપોર્ટથી લઇને કોર્ટ સુધી રાહુલ ગાંધીના સ્વાગત માટે તૈયાર છે. નોટબંધી દરમિયાન એડીસી બેંકમાં ગેરકાયદે મોટા પ્રમાણમાં જૂની નોટો જમા કરવાવાળા નિવેદનની સામે એડીસી બેંક તરફથી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે આજે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને રાહુલ ગાંધીના સ્વાગતને લઇને કાર્યક્રમના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી એરપોર્ટથી લઇને અમદાવાદ મેટ્રો કોર્ટ સુધી રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે ઇચ્છુક છે.

અત્રે નોંધનીય છે કે, માનહાનિના અન્ય બે મામલામાં રાહુલ ગાંધીને ૧૬મી જુલાઈના દિવસે સુરતની કોર્ટમાં અને ૯મી ઓગસ્ટના દિવસે ફરી એકવાર અમદાવાદમાં ઉપસ્થિત રહેવું પડશે. લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કોર્ટના ચક્કર વધી ગયા છે. મુંબઈ, પટણા બાદ હવે રાહુલ ગાંધી સુરત અને અમદાવાદની કોર્ટમાં પણ ઉપસ્થિત થનાર છે.

તત્કાલિક ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મોદી સરનેમને લઇને તેમના નિવેદનના આધાર પર ગુજરાતની બે કોર્ટમાં તેમની સામે કેસ દાખલ કરવામાં આવી ચુક્યા છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમામ ચોરના સરનેમમાં મોદી કેમ છે તેમ સમજાઈ રહ્યું નથી. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સમગ્ર ગુજરાતી મોદી સમાજના લોકોએ માનહાનિનો કેસ દાખલ કરવા વાત કરી હતી. મંગળવારના દિવસે રાહુલ ગાંધીને સુરતની કોર્ટમાં ઉપસ્થિત થવાની જરૂર હતી પરંતુ રાહુલ ગાંધી એ દિવસે ઉપસ્થિત થઇ શક્યા ન હતા. હવે ૧૬મી જુલાઈના દિવસે ઉપસ્થિત થવા માટે કોર્ટે સમન્સ જારી કર્યું છે.

Previous articleઅકસ્માતો નિવારવા જૈન ભગવંતો માટે ૨૫૦ કિ.મી.પગદંડી બનાવાશે : રૂપાણી
Next articleજેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સહિત ૭ને જન્મટીપ