જૂનાગઢના આરટીઆઈ એકટીવીસ્ટ ૩૫ વર્ષીય અમિત જેઠવાની જૂલાઇ-૨૦૧૦માં ગુજરાત હાઇકોર્ટની સામે જ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી સનસનાટીભરી હત્યાના ચકચારભર્યા કેસમાં આજે સીબીઆઇ સ્પેશ્યલ જજ એમ.કે.દવેએ ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીને સીબીઆઈ જજ કે. એમ. દવેએ હત્યા અને ગુનાઇત કાવતરા હેઠળ દોષિત ઠરાવ્યા હતા અને આજે આ તમામ સાતેય દોષિતોને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી. સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે તમામ સાત આરોપીઓની જન્મટીપની આકરી સજાની સાથે સાથે રૂ.૨૫ હજારથી લઈને ૧૫ લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકાર્યો હતો. સીબીઆઇ કોર્ટના આ ચુકાદાને પગલે ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી કોર્ટમાં હસતા મોઢે આવ્યા હતા પરંતુ ચુકાદા બાદ સીધા જેલમાં જવાનો વારો આવ્યો હતો.
અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈના વકીલ તરફથી આ કેસમાં દોષિત ઠરેલા તમામ આરોપીઓને આજીવન કેદ અને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી તો બીજીબાજુ, બચાવ પક્ષના વકીલે પૂર્વ સાંસદ દીનુ બોઘાની વધુ ઉંમર થઈ ગઈ હોવાથી ઓછી સજા કરવાની માંગ કરી હતી. જો કે, સીબીઆઇ કોર્ટે આરોપીપક્ષની તમામ દલીલો અને રજૂઆત ફગાવી દીધી હતી અને સીબીઆઇની દલીલો ગ્રાહ્ય રાખી કેસના પુરાવાઓ, સંબંધિત દસ્તાવેજો અને અન્ય રેકર્ડ ધ્યાનમાં લીધા બાદ દિનુ બોઘા સોલંકી સહિતના તમામ સાત આરોપીઓને જન્મટીપની આકરી સજા ફટકારતો ચુકાદો સંભળાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તા.૬ઠ્ઠી જૂલાઇએ સીબીઆઇ કોર્ટે આ કેસમાં તમામ સાત આરોપીઓને જેઠવા હત્યા કેસમાં દોષિત ઠરાવ્યા હતા અને આ કેસમાં આખરે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવતો ચુકાદો સંભળાવ્યો હતો. અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિતના સાતેય આરોપીઓને કોર્ટે આજીવન કેદની સાથે કુલ રૂ. ૬૦ લાખનો દંડ ફટકાર્યો હતો. તેમાંથી જેઠવાના પરિવારજનોને ૧૧ લાખ આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે. જેમાં રૂ.પાંચ લાખ અમિત જેઠવાની પત્ની અને રૂ.૩-૩ લાખ તેના બે સંતાનોને અપાશે. આરોપીઓને દંડ ફટકારાયો છે, તેમાં શાર્પ શૂટર આરોપી શૈલેષ પંડ્યાને રૂ.૧૦ લાખનો દંડ, ઉદાજી ઠાકોરને રૂ.૨૫ હજારનો દંડ, શિવા પચાણને રૂ.૮ લાખનો દંડ, શિવા સોલંકીને રૂ.૧૫ લાખ દંડ, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ)ને રૂ.૧૦ લાખનો દંડ, સંજય ચૌહાણને રૂ.૧ લાખનો દંડ અને દિનુ બોઘા સોલંકીને રૂ.૧૫ લાખ દંડ કરાયો હતો.
આમ, કાકા-ભત્રીજા એવા દિનુ બોઘા સોલંકી અને તેમના ભત્રીજા શિવા સોલંકીને સૌથી વધુ રૂ.૧૫-૧૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જુબાનીથી ફરી જનારા સામે કાર્યવાહીનો હુકમ
અમિત જેઠવા હત્યા કેસમાં કુલ ૧૯૨ સાક્ષીમાંથી ૧૫૫ સાક્ષી આ કેસના ટ્રાયલ દરમ્યાન ૧૫૫ સાક્ષી ફરી ગયા હતા. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના ૨૭ સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત ૨૭ સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં. સાક્ષીઓ બીજી વખત પણ જુબાનીમાંથી ફરી જતાં સીબીઆઈ કોર્ટે તેની ગંભીર નોંધ લીધી હતી અને ટ્રાયલ દરમ્યાન ફરી જનાર તમામ સાક્ષી સામે કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો. સાથે જ એક સાક્ષી ધર્મેન્દ્રગીરી ગોસ્વામીના પુત્રના અપહરણ મામલે પણ તપાસ કરીને કોર્ટને રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો.
ડીઆઈજી બોથરા દ્વારા બોઘાની ધરપકડ કરાઈ
જેઠવા હત્યા કેસમાં દોષિત ઠરેલા દિનુ બોઘાને તેમના ફાર્મ હાઉસના નોકર રામા હાજાની જુબાની જ ભારે પડી હતી. દિનુ બોઘા સોલંકી સહિત સજા પામેલા આરોપીમાં તેમનો ભત્રીજો શિવા સોલંકી, શૈલેષ પંડ્યા, બહાદુરસિંહ વાઢેર (કોન્સ્ટેબલ), શિવા પંચાલ, સંજય ચૌહાણ અને ઉદાજી ઠાકોરનો સમાવેશ થાય છે. આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાની ગત તા.૨૦ જુલાઈ,૨૦૧૦ના રોજ હાઈકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે બાઇક પર આવેલા બે શખ્સે ગોળી મારી હત્યા કરી હતી. આ કેસમાં અનેક કાનૂની લડાઈ બાદ સીબીઆઈને તપાસ સોંપાઈ હતી. સીબીઆઈના ડીઆઈજી અરૂણ બોથરાએ ભારે હિંમતપૂર્વક ગત તા.૫ નવેમ્બર,૨૦૧૩ના રોજ મોટુ માથુ ગણાતા ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાની ધરપકડ કરી હતી. બાદમાં તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને બોઘા સહિત સાત આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું.