ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૨૫૪ કરોડનો દારૂ ઝડપાયો..!!

2451

ગુજરાતમાં દારૂબંધી છે. કડક દારૂબંધી કરવા માટે સરકારે કડક કાયદાઓ પણ બનાવ્યા છે. પરંતુ દારૂબંધીનો કેટલો અમલ થાય છે એ આપણે છાસવારે આવતા દારૂ અંગેના સમાચારો પરથી સમજી શકીએ છીએ. ગુજરાત વિધાનસભા  કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને બે વર્ષમાંદેશી વિદેશી દારૂ અને વેચાણના કરવામાં આવેલા કેસો, પકડાયેલા આરોપીઓ અને પકડવામાં બાકી આરોપીઓની સંખ્યા અંગે પ્રશ્નપૂછવામાં આવ્યો હતો. જેમાં સરકાર તરફથી  રોજના દેશી દારૂના ૧૮૧ કેસ અને વિદેશી દારૂના ૪૧ કેસો નોંધાવાની ચોંકાવનારી માહિતી આપી છે. રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાની વાતો કરતી ભાજપ સરકારના રાજ્યમાં રોજના છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દેશીદારૂ ૧૫,૪૦,૪૫૪ લિટર, વિદેશી દારૂની ૧,૨૯૫૯૪૬૩ બોટલ, બિયરની ૧૭,૩૪,૭૯૨ બોટલ પકડાઇ છે. જેની કિંમત ૨૫૪૮૦૮૨૯૬૬ થયા છે. ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી જોઇએ તો, રાજ્યમાં બે વર્ષમાં ૧,૩૨,૪૧૫ દેશી દારૂના કેસો, ૨૯,૯૮૯ વિદેશી દારૂના કેસો નોંધાયા છે. એટલે કે દૈનિક ૧૮૧ કેસો દેશી દારૂના નોંધાય છે, વિદેશી દારૂના દૈનિક ૪૧ કેસો નોંધાય છે. આ કેસોમાં ૧,૧૦૫ આરોપીઓ છ માસ કરતા વધુ સમયથી અને ૭૬૨ આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી પકડવાના પણ બાકી છે.જિલ્લા પ્રમાણે આંકડાની વાત કરીએ તો સૌથી વધારે દેશી દારૂ વેચાણના કેસોમાં સુરતમાં ૧૩૬૬૧ કેસો સાથે સુરત મોખરે રહ્યું છે. એટલું જ નહીં વિદેશી દારૂ વેચાણના કેસોમાં પણ સુરત ૬૦૨૮ કેસો સાથે ગુજરાતમાં મોખરે છે. આ ઉપરાંત દારૂના કેસમાં આરોપીઓ પકડવામાં પણ ૨૮,૪૨૦ સાથે અવલ્લ રહ્યું છે. દેશી દારૂ વેચાણના કેસોમાં અન્ય જિલ્લાઓની વાત કરીએ તો સુરત પછી વડોદરા ૧૭૮૧૭ (દેશી અને વિદેશી દારૂ બંને કેસોમાં) બીજા નંબરે રહ્યું છે.

અમદાવાદમાં ૧૦૯૭૮ કેસો, ભરૂચમાં ૧૦૬૭૬ કેસો, પંચમહાલમાં ૬૯૦૦ કેસો નોંધાયા છે.વિદેશી દારૂના વેચાણના કેસોમાં સુરત પછી દાહોદમાં ૨૫૨૫ કેસો, ડાંગમાં ૨૩૯૯ કેસો, નવસારીમાં ૨૨૩૧ કેસો અને પંચમહાલમાં ૧૫૩૧ કેસો નોંધાયા છે. દારૂના કેસોમાં આરોપીઓ પકડવામાં સુરત પછી વડોદરામાં ૧૯૪૪૪, અમદાવાદમાં ૧૩૯૫૬, ભરૂચમાં ૧૧૮૧૪ અને નવસારીમાં ૯૧૭૭ આરોપીઓ પકડાયા છે. આ ઉપરાંત પંચમહાલમાં ૩૭૦, દાહોદ ૩૦૦, સુરત ૨૮૬, બનાસકાંઠા ૧૯૯ અને ભરૂચમાં ૧૯૩ આરોપીઓ પકડવાના બાકી છે.

Previous articleઅયોધ્યા કેસ : મધ્યસ્થતા પેનલને ૨૫મી સુધી રિપોર્ટ સોંપવા આદેશ
Next articleદલિત યુવક હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીઓની અટકાયત