રાજુલા શહેરમાં ગુરૂવારના વીજકાપ સિવાય ગમે ત્યારે વીજ પૂરવઠો ખોરવાઇ જતા પ્રજામાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આજે ૫૪ ટીમ અને ૪૪૦ માણસોનો કાફલો રાજુલા દોડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલા વીજ ધાંધિયામાં યુવાનો રિતેશ આદ્રોજા, ભારત જાની, મહેન્દ્ર ધાંખડા સહિતના યુવાનો દ્વારા પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઇ વોરા પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી દ્વારા સ્ટાફ ભરવા તેમજ ફિડરો વધારવા રજુઆત કરી હતી. બાદમાં ધારાસભ્ય અમરીશ ડેરે પણ વિધાનસભામાં આ પ્રશ્ન રજુ કર્યો હતો. બાદમાં ઉર્જામંત્રીએ સ્થાનિક તંત્ર પાસે રિપોર્ટ માંગ્યો હતો.
આજે સવારથી વીજપુરવઠો બંધ કરી ૪૪૦ માણસો ૫૪ ટીમ સાથે દરેક જર્જરીત વાયરો ટ્રાન્સફોર્મર બદલાવ્યાં હતા આ બાબતે વીજ ઇજનેર સોલંકીએ જણાવ્યું હતું. કે આજે શહેરમાં તમામ મેન્ટેન્સ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આ ટીમ હજુ મોડી સાંજ સુધી કાર્યરત રહેશે.
સ્થાનિક વીજતંત્ર પાસે સ્ટાફ ન હોવાથી આ પ્રશ્ન વિકટ બન્યો હતો આથી બહારનો સ્ટાફ મંગાવ્યો હતો ત્યારે આ પ્રશ્નની ગંભીરતા લઇ સ્ટાફ ભરવા અને ફીડરો વધારવા માંગણી ઉઠવા પામી છે.
આ ઓપરેશનમાં નગરપાલિકાના કનુભાઇ ધાંખડા ભાજપના મહેન્દ્રભાઇ ધાંખડા, વનરાજભાઇ વરૂ, દિલીપભાઇ જોશી, સહિત પીજીવીસીએલના સોલંકી, નિનામા અને ભાવનગર અમરેલીથી આવેલ ૪૪૦ના કાફલાને મદદમાં જોડાયા હતા.