તલાટીની બદલીની માંગ સાથે ખોરજમાં પંચાયતને તાળાં માર્યા

465

ગાંધીનગર તાલુકાના ખોરજ ગામની પંચાયતમાં ફરજ બજાવતાં તલાટી કમ મંત્રી અનિયમિત આવતાં હોવાના કારણે વિવિધ કામગીરી માટે ગ્રામજનોને ધક્કા ખાવાની નોબત આવે છે ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ પંચાયતને તાળુ મારીને વિરોધ પ્રગટ કર્યો હતો. તલાટીની બદલી કરવાની માંગ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.

ખોરજ ગ્રામપંચાયતમાં ફરજ બજાવતાં તલાટી કમ મંત્રી આર.જી. પટેલ છેલ્લા ઘણા સમયથી અનિયમિત આવતાં હોવાના કારણે અવાર નવાર ગ્રામજનોને કામગીરી માટે બે-ત્રણ દિવસથી ધક્કા ખાવા પડે છે તો તાલુકા પંચાયતના કામે અથવા તો કોર્ટમાં મુદ્‌તમાં જવાનું બહાનું કાઢીને ઘણી વખત સમગ્ર દિવસ દરમિયાન પંચાયતની કચેરીમાં ફરજ અર્થે આવતા નથી. તો બીજી તરફ ગ્રામજનોને પણ કામ માટે બે થી ત્રણ દિવસનો સમય બગડતાં હેરાન પરેશાન થવું પડે છે.

તલાટીની અનિયમિત હાજરીના કારણે સરકારી કામ માટે જરૂરી દાખલા મેળવવા કે ફોર્મમાં સહી સિક્કા માટે પણ ધક્કા ખાવાની નોબત આવે છે. તો બીજી તરફ સહી – સિક્કા કરવાની ના પાડી દેતાં સરકારીથી લાભોથી લોકોને વંચિત રહેવું પડે છે. વૃદ્ધો અને વિદ્યાર્થીઓનું સમયસર કામ નહીં થતાં નુકશાન સહન કરવાનો વારો આવે છે.

ઉપરાંત ગામના વિકાસના કામોની બાબતમાં પણ દખલગીરી કરીને હેરાન કરવામાં આવી રહ્યાં છે. જેના પગલે સમયસર કામગીરી પણ પુર્ણ થઇ શકતી નથી. ત્યારે પંચાયત દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને અનિયમિત આવતાં તલાટી કમ મંત્રીની બદલી કરવાની માંગ સાથે ગ્રામપંચાયતને તાળાં મારીને રોષ પ્રગટ કર્યો હતો.

Previous articleતમિલનાડુ જળસંકટઃ ૨૫ લાખ લીટર પાણી લઇ ટ્રેન પહોંચી ચેન્નઈ
Next articleર્નસિંગ કર્મચારીઓએ પ્રતિક ઉપવાસ કરી વિરોધ પ્રગટ કર્યો