અમદાવાદમાં મ્યુનિ. આરોગ્ય ખાતાનો સપાટો, ૧૧૬ એકમોને નોટિસ, બે સ્કૂલોના સંચાલકની ઓફિસ સીલ

461

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો મોટાપાયે ફેલાતા આજે સતત બીજા દિવસે પણ મ્યુનિ.આરોગ્ય વિભાગ દોડતું જોવા મળ્યું હતું. આજે ગુરૂવારે તમામ સાતેય ઝોનમાં મળીને કુલ ૨૮૯ એકમોની સ્થળ પર જઇને ચકાસણી કરાઇ હતી. મોટાભાગે કંટ્રક્શનસાઇટ અને સ્કૂલોને ટાર્ગેટ કરાઇ હતી. જેમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવતા નિકોલની ધનશ્યામ વિદ્યા મંદિર અને નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલના સંચાલકોની ઓફિસ સીલ કરી દેવામાં આવી હતી. કુલ ૧૧૬ એકમોને નોટિસ ફટકારીને ૧.૮૮ લાખનો દંડ વસુલાયો હતો.

સરખેજમાં કામેશ્વર વિદ્યા મંદિરમાંથી મચ્છરોના બ્રિડિંગ મળી આવતા તેને નોટિસ આપીને ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો. આજ મુદ્દે નરોડાની સેન્ટ મેરી સ્કૂલને ૨૦ હજારનો અને સ્ટેડિયમ ખાતે આવેલી એરોમા સ્કૂલ એન્ડ કોલેજને ૨૦ હજાર રૂપિયાનો દંડ કરાયો હતો.

ચાંદલોડીયામાં દત્તપરિસર સાઇટ, ખોખરામાં પ્રગતિ સ્કૂલ, સરખેજમાં એસ.જે.કેમ્પસ, સ્ટેડિયમમાં ઉસ્માનપુરા કડવા પાટીદાર વાડી, શાહપુરમાં ટયુટોરીયલ સ્કૂલ, કુબેરનગરમાં કે.જી.કે. સ્કૂલ આ તમામ એકમોમાંથી મચ્છરોના બ્રિડીંગ મળી આવતા ૧૦ હજારથી ૧૫ હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ ગોતામાં કિરણ મોટર્સ, નિકોલમાં પંચતિર્થ વિદ્યાલય, કુબેરનગરમાં અંજલી ખાલસા સ્કૂલ, ખોખરામાં સેવન ડે સ્કૂલ, બોડકદેવમાં નારાયણ ગુરૂ સ્કૂલ, વેજલપુરમાં આદર્શ હિંન્દી વિદ્યાલય, ખોખરામાં કટારીયા ટી.વી.એસ.શો રૂમ, ઓઢવમાં સનફ્‌લાવર સ્કૂલ, સરસપુર-રખિયાલમાં જીલીબા પ્રાથમિક શાળા અને મણિનગરમાં સરદાર પટેલ સ્કૂલમાંથી મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યા હતા. તેથી આ એકમોને ૫૦૦ થી પાંચ હજાર સુધીનો દંડ કરાયો હતો.

પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૫૫ એકમોને નોટિસ અપાઇ હતી. પશ્ચિમ ઝોનમાં ૨૧, ઉત્તર ઝોનમાં ૧૫, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૯, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૫, મધ્ય ઝોનમાં ૪ અને દક્ષિણ ઝોનમાં ૭ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી.

ઇન્ડિયા કોલોનીમાં આવેલી સતસંગી સ્કલને નોટિસ આપીને ૨ હજારનો દંડ કરાયો હતો. સ્કૂલોમાં તપાસ દરમિયાન ટેરેસ ઉપરથી, સ્ક્રેપ મટીરીયલ્સમાંથી, ખુલ્લી ટાંકીમાંથી, ભોંયરામાંથી તેમજ કંપાઉન્ડમાં પડેલા બકેટ, પક્ષીચાટ અને ભંગારમાંથી મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યા હતા. મચ્છરોના ઉપદ્રવ અટકાવવા માટે શું શું કામગીરી કરવી તે માટેના માર્ગદર્શન, સલાહ-સુચન માટે સ્કૂલોના સંચાલકોએ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગનો સંપર્ક કરવાની પણ અપીલ કરાઇ છે.

Previous articleસમસ્ત પાટીદાર સમાજ દ્વારા શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન
Next articleગાંધીનગર RTOમાં સેંકડો વાહનોની નોંધણી પેન્ડીંગ