ગાંધીનગર આરટીઓને મોડેલ આરટીઓ ગણવામાં આવે છે પરંતુ અહીંનું અણઘડ આયોજન અને સોફ્ટવેરની વારંવારની ખામીને પગલે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તોબીજી બાજુ હાલ સ્ટાફ ચૂંટણીમાં રોકાયેલો હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી વાહનોની નોંધણી થઇ શક્તી નથી.ઘણા દિવસથી નવા વાહોનાના નંબરો પડયા નથી જેના કારણે એજન્ટોની સાથે વાહનમાલિકો પણ પરેશાન થઇ ગયા છે.
આરટીઓની સીસ્ટમ ગાંધીનગરની સાથે સમગ્ર ગુજરાતમાં હાઇટેક થઇ ગઇ છે. એપોઇન્ટમેન્ટ લઇને અરજદારો આરટીઓમાં આવે અને તેમનું કામ કરાવીને જાય તેવી સીસ્ટમ ગોઠવવામાં આવી છે. પરંતુ આ હાઇટેક વ્યવસ્થાનો ઉપયોગ કરીને પણ સામે અરજદારોના કામ સમયસર થતા નથી.
ગાંધીનગર આરટીઓમાં બે હજારથી પણ વધુ આરસી બુક બનાવવાની બાકી છે. ત્યારે દરરોજ અરજદારો અને આરટીઓના અધિકારીઓ વચ્ચે પણ આ બાબતને લઇને ઘર્ષણ અને સંધર્ષના દ્રશ્યો સર્જાય છે. એટલુ જ નહીં, ગાંધીનગર આરટીઓમાં ત્રણ હજાર જેટલા વાહનોની નોંધણી પણ બાકી હોવાનું સામે આવ્યું છે.
વાહન-ફોર સોફ્ટવેરમાં વારંવારની તકનીકી ખામી ઉપરાંત હાલ આરટીઓ પણ ઇલેક્શન મોડમાં હોવાને કારણે નવા વાહનોના નંબર પણ પાડવામાં આવતા નથી. ૨૦ દિવસ પહેલાના એટલે કે, ત્રણ હજાર જેટલા વાહનોની નોંધણી કરવાની કામગીરી પેન્ડીંગ છે.જેના કારણે નવુ વાહન ખરીદ્યું હોવા છતા વાહનમાલિક તેને રોડ ઉપર લઇ જઇ શક્તો નથી.તેવી સ્થિતિમાં આરટીઓનો વહિવટ સરળ બને તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ કે જેથી સોફેટવેરની ખામી હોય ત્યારે પણ કામગીરી ખોટવાય નહીં અને પેન્ડીંગ કામગીરી વધી જાય નહીં.