અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારમાં બાળકો પાસે ભીખ મંગાવતી અને ચોરી કરાવતી મહિલા સહિત ૨ લોકોની મહિલા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે વટવામાં આવેલા એક મકાનમાં રેડ પાડી ૧૭ બાળકોને રેસ્કયુ કરાવ્યા હતા. જેમાં ૫ છોકરા અને ૧૨ છોકરીઓનો સમાવેશ થાય છે. બાળકોને અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યા છે આ મામલે મહિલા આરોપી આનંદી અહાનંદ સલાટ અને તેના સાગરીત સંપત તનિકા સલમની પૂછપરછ કરવામાં આવી છે. આરોપી મહિલાની ચુંગાલમાંથી છોડવાયેલી ૧૦ વર્ષની બાળકીએ જણાવ્યું હતું કે, તેની પાસે કામ કરાવતા અને ભીખ મંગાવતા હતા. જો તે કામ ન કરે તો તેને મારતા હતા અને આંખમાં મરચું પણ નાખતા હતા.
દરેક બાળકોના શરીર ઉપરથી કંઈકને મારના અથવા દાઝેલાના નિશાન પણ મળી આવ્યા છે. આ બાળકો પોલીસ સામે કંઈ બોલી ન શકે તે માટે આરોપીઓ તમામ બાળકોને પોલીસ માર મારશે તેમ કહી ડરાવતા હતા. આ રેકેટમાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. આગામી દિવસોમાં શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવવાનું મોટું રેકેટ બહાર આવે એવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, મહિલા આરોપી આનંદી સલાટ પાસેથી અગાઉ પણ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા ત્યારે એફિડેવિટ કરી તેમને છોડાવવામાં આવ્યા હતા.