કર્ણાટકમાં રાજકીય સંકટના મામલામાં સુપ્રીમ કોર્ટે આજે ૧૬મી જુલાઈ સ્થિતિ યથાસ્થિતિ રાખવાનો આદેશ કર્યો છે. આનો મતલબ એ થયો કે, કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ પણ એ વખતે સુધી અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામા અંગે કોઇ નિર્ણય લઇ શકશે નહીં. સાથે સાથે અયોગ્યતાના મુદ્દા ઉપર પણ કોઇ નિર્ણય લઇ શકશે નહીં. કોર્ટે વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્યોના રાજીનામા ઉપર નિર્ણય લેવા માટે ૧૬મી જુલાઈ સુધીનો સમય આપી દીધો છે. એજ દિવસે સમગ્ર મામલામાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સુનાવણી દરમિયાન કોર્ટે આજે કઠોર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, સ્પીકર સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રને પડકાર ફેંકવા ઇચ્છુક દેખાઈ રહ્યા છે. સુનાવણી દરમિયાન મુકુલ રોહતાગીએ અસંતુષ્ટ ધારાસભ્યો તરફથી અને અભિષેક મનુ સિંઘવીએ સ્પીકર તરફથી રજૂઆત કરી હતી. રાજીવ ધવને મુખ્યમંત્રી કુમારસ્વામી તરફથી જોરદાર દલીલો કરી હતી. અસંતુષ્ટ ધારાસભ્યો તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતાગીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, હજુ સુધી સ્પીકરે ધારાસભ્યોના રાજીનામાના સંદર્ભમાં કોઇ નિર્ણય કર્યો નથી. હકીકતમાં સ્પીકર બે અશ્વ પર સવારી કરી રહ્યા છે. સ્પીકરે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ તેમને આદેશ આપી શકે નહીં. બીજી તરફ સ્પીકરે એમ પણ કહ્યું છે કે, તેમના રાજીનાના કારણોની તપાસ માટે તેમને વધારે સમયની જરૂર છે. એક જ સમયે બેરીતની વાત સ્પીકર કરી રહ્યા છે. રોહતાગીએ કહ્યું છે કે, મુદ્દો એ છે કે, રાજીનામા અંગે નિર્ણય લેવા, વિધાનસભામાં સ્પીકરના અધિકાર ક્ષેત્ર સાથે કોઇ લેવા દેવા નથી. સ્પીકરનો મુખ્ય હેતુ રાજીનામાના મામલાને પેન્ડિંગ રાખીને ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાનો રહ્યો છે. તેમના રાજીનામા બિનપ્રભાવી થઇ જાય તેવા હેતુ સાથે સ્પીકર કામ કરી રહ્યા છે.
રોહતાગીએ દલીલ કરતા કહ્યું હતું કે, જો સ્પીકર નક્કી કરવામાં આવેલા સમયમાં રાજીનામા અંગે નિર્ણય કરશે નહીં તો સીધીરીતે કોર્ટનું અપમાન કરશે. બીજી બાજુ સિંઘવીએ દલીલ કરતા કહ્યું હતું કે, ધારાસભ્યોના રાજીનામા આપવાનો મુખ્ય હેતુ અયોગ્ય કરાર આપવા માટેની કાર્યવાહીથી બચવાનો રહેલો છે. સ્પીકર તરફથી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, ૧૯૭૪ના સુધારવામાં આવેલા કાયદા હેઠળ ધારાસભ્યોના રાજીનામાને એ વખત સુધી મંજુર કરી શકાય નહીં જ્યાં સુધી તપાસમાં આ બાબત સાબિત થતી નથી કે, રાજીનામા યોગ્ય છે કે અયોગ્ય. ૧૦ અસંતુષ્ટ ધારાસભ્યો એટલા માટે રાજીનામુ આપી રહ્યા છે કે, સ્પીકર દ્વારા તેમને અયોગ્ય જાહેર કરવાની કાર્યવાહીથી બચી શકે.