ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા ઉઠાવાતા મુદ્દાઓના ભાષણના વિડીયો વાયરલ થવા મામલે નીતિન પટેલે ગૃહમાં આડકતરી રીતે કોંગ્રેસના ધારાસભ્યો પર ગંભીર આક્ષેપ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્યો દ્વારા થઈ રહેલા આક્ષેપોનો વિડિયો વાયરલ કરીને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ધમકાવી બ્લેકમેલ કરવામાં છે.
આ આક્ષેપ બાદ વિધાનસભા અધ્યક્ષ ડો.રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાની કાર્યવાહીનું રેકોર્ડિંગનહી કરવા માટેની કડક સૂચના આપી હતી. જેની સામે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ જોરદાર વિરોધ વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો, જેને ગૃહનું વાતાવરણ ગરમાયુ હતું. ગુજરાત વિધાનસભામાં આજે શિક્ષણ વિભાગની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે આદિવાસી વિસ્તારમાં મધ્યાહન ભોજન યોજનામાં ગોલમાલ ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનો ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે વિરોધ કરીને અધ્યક્ષને જાણ કરી હતી કે, ધારાસભ્યો ગૃહમાં બોલે છે તેનો વિડીયો બહાર ફરતો થાય છે.આ ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ દરમ્યાનગીરી કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્યો અહીં ગૃહમાં ભાષણ દરમ્યાન આક્ષેપો કરે છે, જેનો વિડીયો બહાર ફરતો થાય છે અને તેના આધારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ધમકાવીને બ્લેકમેલ કરવામાં આવે છે. નીતિન પટેલનો ઇશારો આડકતરી રીતે કોંગ્રેસના ધારાસભ્યો પરત્વે હતો, જેને લઇ વિપક્ષ કોંગ્રેસની છાવણમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી.
અને કોંગી ધારાસભ્યો આ મુદ્દે પોતાનો ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો.