દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અબ્રાહમ ડિવિલિયર્સે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટમાં એકવાર ફરી સ્પષ્ટ કર્યું કે, તેણે ક્યારેય વિશ્વ કપ ટીમમાં સામેલ થવા માટે જીદ કરી નથી, પરંતુ આ સાથે તેણે સ્વીકાર્યું કે, વિશ્વ કપ ટીમની જાહેરાત પહેલા તેણે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને અનઔપચારિક વાતમાં કહ્યું હતું કે, જો જરૂર પડી તો હું વાપસી કરી શકું છું. ડિવિલિયર્સે મે ૨૦૧૮મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી હતી.
બીજી તરફ આ વિવાદ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સને સમર્થન આપ્યું છે. વિરાટે કહ્યું કે, ડિવિલિયર્સ તેની નજરમાં સૌથી ઈમાનદાર અને પ્રતિબદ્ધ વ્યક્તિ છે.
વિરાટે ડિવિલિયર્સની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું, ’મારા ભાઈ, તમે મારી નજરમાં સૌથી ઈમાનદાર અને પ્રતિબદ્ધ વ્યક્તિ છો. મને તે જોઈને દુખ થયું કે, તમારી સાથે આમ થયું. પરંતુ હું તમારી સાથે છું અને તમારા પર મને વિશ્વાસ છે. તે જોઈને પણ ખરાબ લાગ્યું કે કેટલાક લોકો તમારી વ્યક્તિગત જિંદગીમાં પણ દખલનો પ્રયત્ન કરી રહ્યાં છે. તમને અને તમારા પરિવારને પ્રેમ. મારો અને અનુષ્કાનો હંમેશા તમને સપોર્ટ મળશે.’