લંડનમાં ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઇ રહેલી વર્ષની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં ફાઇનલ મેચ હવે રોજર ફેડરર અને નોવાક જોકોવિક વચ્ચે આવતીકાલે રમાશે. ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે સેન્ટર કોર્ટ પર આવતીકાલે સાંજે ૬-૩૦ વાગ્થી આ મેચનુ પ્રસારણ કરવામાં આવનાર છે. રોજર ફેડરરે સેમીફાઇનલ મેચમાં તેના નજીકના હરિફ સ્પેનના રાફેલ નડાલ પર ૭-૬, ૧-૬, ૬-૩, ૬-૪તી જીત મેળવી હતી. સ્વિસ કિંગના નામથી લોકપ્રિય થયેલા ટેનિસ સ્ટાર રોજર ફેડરર ત્રીજી ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં ૧૨મી વખત પહોંચી ગયો છે. તે આઠ વખત વિમ્બલ્ડનમાં તાજ જીતી લેવામાં સફળ રહ્યો છે. હવે તેની ટક્કર નોવાક જોકોવિક સામે રમાશે. ફેડરરે સ્પેનિશ ખેલાડી પર ત્રણ કલાક અને બે મિનિટ સુધી ચાલેલી મેચમાં જીત મેળવી હતી. રોજર ફેડરર કુલ ૧૨ વખત ફાઇનલમાં પહોંચી ગયો છે. જો કે તે ત્રણ વખત હારી પણ ગયો છે. આઠ વખત વિજેતા રહ્યો છે. આ વખતે ફરી તે ફેવરીટ છે. જો કે નોવાક જોકોવિક પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. બીજી બાજુ અન્ય સેમીફાઇનલ મેચમાં વર્તમાન વિમ્બલ્ડન ચેમ્પિયન અને વર્લ્ડ નંબર વન ખેલાડી જોકોવિકે સ્પેનના રોબર્ટા અગુટ પર જીત મેળવી હતી.
આ મેચ બે કલાક અને ૪૮ મિનિટ સુધી ચાલી હતી. આ મેચ જોકોવિકે ૬-૨, ૪-૬, ૬-૩, ૬-૨થી જીતી લીધી હતી. જોકોવિક અગાઉ પાંચ વખત ફાઇનલમાં રમી ચુક્યો છે. જે પૈકી માત્ર એક વખત ૨૦૧૩માં તેની હાર થઇ હતી. જોકોવિક પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જેથી ફાઇનલ મેચ ખુબ રોમાંચક બને તેવી શક્યતા છે. અગુટ પ્રથમ વખત સેમીફાઇનલમાં પહોંચી ગયો હતો. આવતીકાલે રમાનારી મેચને લઇને ટેનિસ ચાહકો ઉત્સુક છે. કારણ કે મેચમાં હાઇ ક્વાલિટી ટેનિસની રમત જોવા મળનાર છે.જોકોવિક અને ફેડરર વચ્ચે મેચો હમેંશા હાઇ પ્રોફાઇલ રહી છે. તેમની વચ્ચે મેચોના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો તેમની વચ્ચે કુલ ૪૭ મેચો રમાઇ ચુકી છે. તમામ મેચોમાં જોકોવિક લીડ ધરાવે છે. જોકોવિકે હજુ સુધી રમાયેલી કુલ મેચો પૈકી ૨૫ મેચો જીતી છે. જ્યારે રોજર ફેડરર વચ્ચે ૨૨ મેચો રમાઇ ચુકી છે. ગ્રાન્ડ સ્લેમ મેચોની વાત કરવામાં આવે તો તેમની વચ્ચે ૧૫ મેચો રમાઇ ચુકી છે. જેમાં જોકોવિકે નવ અને ફેડરરે છ મેચો જીતી છે. એટીપી વર્લ્ડ ટુર ફાઇનલ મેચોની વાત કરવામાં આવે તો જોકોવિક ૩-૨ની લીડ ધરાવે છે. એટીપી વર્લ્ડ ટુર માસ્ટર્સ ૧૦૦૦ મેચોમાં જોકોવિકની લીડ ૧૧-૯ની રહેલી છે.