અમદાવાદમાંથી ગુમ થઇ રહેલા બાળકો વચ્ચે વેરાવળથી ૩ બાળકો મળી આવ્યા છે. બાળકો વેરાવળથી મળી આવતા તેમના પરિવારે નિરાંતનો શ્વાસ લીધો હતો. આ ઘટના વિશે જ્યારે બાળકો સાથે પુછપરછ કરવામાં આવી તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી. બાળકો પાસેથી જાણવા મળ્યું હતું કે, તેઓ રૂદ્ર રક્ષક નામની ફિલ્મ જોઇને પ્રભાવિત થયા હતા. અને ત્યારબાદ તેમને ઘરેથી ભાંગીને સોમનાથ દાદાના દર્શને જવાનો વિચાર કર્યો હતો. બાળકોએ આ વિશે જણાવ્યું હતું કે, શિવની ઉપાસનાથી દિવ્ય શક્તિ મળે તે આશાએ અમે અહીં આવ્યા હતા. બીજી બાજુ અમદાવાદના નરોડામાંથી ૩ બાળકો ગુમ થતા તેમના પરિવાર ચિંતામાં મૂકાયો હતો અને તેમને નરોડા પોલીસ સ્ટેશનમાં બાળકોનું અપહરણ થયાનો ગુનો નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસ હરકતમાં આવીને રાજ્યમાં તપાસ કરી હતી. પરંતુ વેરાવળના રેલવે સ્ટેશન પરથી ગુમ થયેલા ત્રણેય બાળકો મળી આવ્યા હતા. હાલ રેલવે પોલીસે બાળકોના વાલીને બોલાવી બાળકોનો કબજો સોંપ્યો છે.
આ ઘટનામાં રેલવે પોલીસને જેવી જ ત્રણેય બાળકો વિશે જાણ થઇ કે તરત તેમને પોતાની કસ્ટડીમાં લઇને તેમની પુછપરછ કરી હતી. ત્યારે બાળકોએ તેમના સરનામા તરીકે અમદાવાદના હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં જે ત્રણેય બાળકો ઘરેથી ભાગી જઇને વેરાવળમાંથી મળ્યા છે તેમના નામ સન્ની સિંગ પ્રેમસિંગ (ઉ.વ. ૧૦), સંગીતા પ્રેમસિંગ (ઉ.વ. ૦૯) અને ખુશ્બૂ પ્રેમસિંગ (ઉ.વ. ૦૮) જાણવા મળ્યું હતું.