શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જીલ્લાની પ્રાથમિક, માદ્યમિક અને આંગણવાડીના મળી કુલ સરેરાશ ત્રણ લાખ જેટલા બાળકોના આરોગ્યની તપાસણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. ત્યારે છેલ્લા બે વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં કુલ ૬.૨૦ લાખ જેટલા વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જેમાંથી હાર્ટને લગતી બિમારીઓના બાળદર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.
છેલ્લા બે વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૫૯ વિદ્યાર્થીઓને હાર્ટની બિમારી હોવાને કારણે તેઓને સારવાર આપવામાં આવી છે.તો કીડનીની બિમારીના ૭૪ જ્યારે કેન્સરના સાત બાળદર્દીઓ પણ બે વર્ષમાં મળી આવ્યા છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં દર વર્ષે શાળા આરોગ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. ગાંધીનગરમાં દર વર્ષે ૧૦૩૮ આંગણવાડી શાળાના ૮૫,૫૮૧ બાળકો ઉપરાંત ૮૨૫ પ્રાથમિક શાળાના ૧,૯૭,૦૩૫ બાળકો તથા ૩૨૭ મધ્યમિક શાળાના ૮૭,૯૪૯ વિદ્યાર્થીઓને શાળા આરોગ્ય અંતર્ગત નિદાન અને સારવાર પણ કરવામાં આવે છે. આમ, ગાંધીનગર જિલ્લામાં કુલ ત્રણ લાખ જેટલા બાળકોને દર વર્ષે શાળા આરોગ્ય અંતર્ગત તપાસણી કરવામાં આવે છે.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન આરોગ્ય કાર્યકર તેમજ મેડીકલ ઓફિસર દ્વારા કુલ છ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બે વર્ષમાં તપાસમાં આવેલા આ વિદ્યાર્થીઓ પૈકી ઘણા બધા વિદ્યાર્થીઓમાં સામાન્ય અને ગંભીર તેમજ જીવલેણ બીમારીઓ મળી આવી હતી. આ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૬.૨૦ લાખ જેટલા બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે.
જેમા શાળાના બાળકોને પાંડુરોગ, આંત્રકૃમિ, દાંતની ખામી,આંખની ખામી, કાન-નાક-ગળાની તકલીફ, ચામડીના રોગ, શરીરની સ્થુળતા, તમાકુનું સેવન, માનસિક તળાવ, જાતીય રોગ, શ્વસન તંત્રની ખામી, ચેતા તંત્રના રોગ, અસ્થિ તંત્રના રોગ, વિકલાંગતા તેમજ અન્ય ગંભીર અને જિવલેણ બીમારીઓ હોવાનું ડાક્ટરી તપાસમાં સાબીત થયું હતું.
આ અંગે વિધાનસભામાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પ્રશ્ન પુછ્યો હતો જેમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૭-૧૮માં હૃદયના ૮૦ જ્યારે વર્ષ ૨૦૧૮-૧૯માં ૭૯ બાળદર્દીઓ મળી આવ્યા હતા આવી જ રીતે કીડનીના અનુક્રમે ૨૭ અને ૪૭ તથા કેન્સરના ૪ અને ત્રણ બાળદર્દીઓ મળી આવ્યા હતા આ જીવલેણ અને અતિગંભીર બિમારીના દર્દીઓને સરકાર તરફથી સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.