અમદાવાદમાં રેલ કર્મચારીઓનાં ધરણાં, ખાનગીકરણ સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો

506

રેલવેનું ખાનગીકરણ કરવાના મામલે આજે શુક્રવારે અમદાવાદ ડીઆરએમ કચેરી ખાતે મોટી સંખ્યામાં રેલવેના કર્મચારીઓએ ધરણા-સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરીને તેમનો આક્રોશ ઠાલવ્યો હતો. મેલ-એક્સપ્રેસ ટ્રેનો ખાનગી હાથોમાં સોંપવા, રેલવેની કોલોનીઓના વેચાણ, આઉટર્સોસિંગ અને ઉત્પાદક એકમોનું કોર્પોરેટાઇઝેશન કરવાની તૈયારીઓ સામે કર્મચારીઓએ લડત શરૂ કરવાની ચિમકી આપી હતી.

વેસ્ટર્ન રેલવે મઝદૂર સંધના મહામંત્રી અને એન.એફ.આઇ. આર.ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે.જી. માહુરકરની આગેવાનીમાં આજે મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓ ખાનગીકરણના મુદ્દે વિરોધ પ્રદર્શનમાં ઉતરી આવ્યા હતા. વિવિધ બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર પોકારીને કેન્દ્ર સરકારની રેલવેનીતિ સામે પ્રશ્નો ઉભા કરીને વિરોધ નોંધાવ્યો હતો.

ઉત્પાદક એકમોનું કોર્પોરેટાઇઝેશન બંધ કરો, નવુ નેશનલ પેન્શન સીસ્ટમ પાછી ખેંચો, પોસ્ટ સરન્ડર કરવાનું અને આઉટર્સોસિંગ બંધ કરો, એગ્રિમેન્ટ મુજબના રેલવે સ્ટાફના મુદ્દાઓનું અમલીકરણ કરો, રેલવે કોલોનીઓ અને સંસાધનોને ખાનગી હાથોમાં આપવાનું બંધ કરો વગેરે માંગણીઓ સાથેના પોસ્ટરો-બેનરો પ્રદર્શીત કરીને તેમની માંગણી સંતોષવાની માંગણી કરી હતી.

મેલ-એક્સપ્રેસ ટ્રેનોને ખાનગી હાથોમાં સોંપી દેવાતા ગરીબ-મધ્યમવર્ગને સસ્તી મુસાફરીનો લાભ છીનવાઇ જશે. ભાડા વધારાના બોજ હેઠળ નોકરીયા-વેપારી-વિદ્યાર્થી વર્ગને મુશ્કેલીઓ પડશે. તેવી રજૂઆત કરાઇ હતી. દેશભરમાં અને તમામ વિભાગોમાં વિરોધ-પ્રદર્શનો ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

Previous articleસરકારના ઉત્સવોમાં ભીડ ભેગી કરવા શિક્ષકોનો ઉપયોગ થાય છે
Next articleગાંધીનગર : ખ માર્ગ ઉપર ગટરો બેસી જવાથી વાહનચાલકો માટે જોખમી બની