અંધ લોકો પણ હવે નોટની ઓળખ સરળરીતે કરી શકશે. આરબીઆઈ દ્વારા નોટને ઓળખી કાઢવા માટે એપ લાવવા માટે ઇચ્છુક છે જેથી અંધ અથવા તો દ્રષ્ટિ વગરના લોકો નોટની ઓળખ સરળરીતે કરી શકશે. નેત્રહિન લોકોને નોટની ઓળખ કરવામાં મદદ મળે તે માટે મોબાઇલ એપ્લિકેશન રજૂ કરવામાં આવનાર છે. રિઝર્વ બેંકે લેવડદેવડમાં હજુ પણ રોકડના ભારે ઉપયોગને ધ્યાનમાં લઇને આ નિર્ણય કર્યો છે. હાલમાં રૂપિયા ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નોટ સરક્યુલેશનમાં છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે, નેત્રહિન લોકો માટે રોકડ આધારિત લેવડદેવડને સફળ બનાવવા માટે બેંક નોટની ઓળખ જરૂરી છે. નોટને ઓળખવામાં નેત્રહિન લોકોની મદદ કરવામાં આવશે. આના માટે ઇન્ટાગ્લિયો પ્રિન્ટિંગ આધારિત ઓળખના નિશાન બનાવવામાં આવ્યા છે. આ નિશાન ૧૦૦ રૂપિયા અને તેનાથી ઉપરની નોટમાં રહેશે. નવેમ્બર ૨૦૧૬માં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જુની નોટને બંધ કરવામાં આવ્યા બાદ હવે નવી નોટોની ડિઝાઇન આવી ચુકી છે અને નવી નોટ પણ આવી ચુકી છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે, દરરોજ લેવડદેવડમાં બેંક નોટને ઓળકવાની બાબત નેત્રહિન લોકો માટે સરળ નથી. મોબાઇલ એપ વિકસિત કરવા માટે બેંક દ્વારા વેન્ડરની શોધખોળ ચાલી રહી છે. આ એપ મહાત્મા ગાંધી સિરિઝની અને મહાત્મા ગાંધી નવી સિરિઝની નોટને ઓળખવામાં સક્ષમ બનશે. આના માટે નોટને ફોનના કેમેરાની સામે રાખીને તેના ફોટા પાડવા પડશે. જો નોટના ફોટા યોગ્યરીતે લેવામાં આવશે તો એપ વિડિયો નોટિફિકેશન મારફતે નેત્રહિન વ્યક્તિને નોટના મુલ્ય અંગે માહિતી આપી દેશે. જો ફોટા યોગ્યરીતે પાડવામાં નહીં આવે તો અથવા તો નોટને રિડ કરવામાં કોઇ પરેશાની રહેશે તો એપ ફરીથી પ્રયાસ કરવા માટે સૂચના આપશે.