ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી બાદ ફરીથી સક્રિય થવા જઈ રહ્યાં છે. હાર્દિક પટેલ તેના જન્મદિવસે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યાં છે.
આ સમ્મેલન અંગે સોશિયલ મીડિયામાં એક આમંત્રણ પત્રિકાઓ પણ જોવા મળી રહી છે. આમંત્રણ પત્રિકામાં લખાયું છે કે ’આપણા યુવા હ્રદય સમ્રાટ અને ખેડૂતોના પનોતા પુત્ર હાર્દિક પટેલના જન્મદિવસ નિમિતે ગુજરાતની જનતાના અધિકારોને વાચા આપવા ગુજરાત ચેતના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંમેલનમાં રાજ્યના સામાજિક આગેવાનો, ખેડૂત આગેવાનો, રાજકીય આગેવાનો, જનતાના અધિકાર માટે લડતા સંગઠનો, યુવાનો ઉપસ્થિત રહેવાના છે. સંમેલન ૨૦મી જૂલાઈએ બપોરે ૨.૦૦ વાગ્યે ગાંધીનગરના સેક્ટર ૧૭માં આવેલા ટાઉનહોલમાં યોજાશે. સંમેલનના માધ્યમથી હાર્દિક પટેલ રાજકીય માહોલ ગજાવે તેવી વકી છે અને શક્તિ પ્રદર્શન દ્વારા આગામી રાજકીય કાર્યક્રમોની જાહેરાત કરે તેવી પણ શક્યતા છે.