દુષિત પાણી વચ્ચે વસવાટ કરતાં બોરીજના ગ્રામજનો

673

શહેરમાં સમાવિષ્ટ બોરીજ ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ઉભરાતી ગટરના ગંદા પાણી વિવિધ વિસ્તારોમાં વહી રહ્યાં છે. જેના પગલે ગ્રામજનોને દુષિત પાણીમાંથી અવર જવર કરવી પડે છે તો ઘર આંગણે પણ ગંદા પાણી ભરાયેલા રહેતા હોવાથી સ્થાનિકોને દુર્ગંધનો સામનો કરવાની નોબત આવી છે તો રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. ત્યારે સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ગાંધીનગર મહાનગર પાલિકામાં સમાવિષ્ટ ગામોમાં ઉભરાતી ગટરોની સમસ્યા સ્થાનિકો માટે શીરદર્દ બની ગઇ છે. ત્યારે તંત્ર દ્વારા પણ સમયાંતરે યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. બોરીજ ગામમાં પણ છેલ્લા ઘણા દિવસોથી ગટરો ઉભરાવવાના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઇ રહ્યાં છે. ગામમાં આવેલાં આંતરિક માર્ગોની આસપાસ આવેલી ગટરો ઉભરાવવાથી દુષિત પાણી પણ સતત વહેતું રહે છે.

તો બીજી તરફ વસાહતી વિસ્તારમાં પણ ગટરના ગંદા પાણી ફરી વળતાં ગ્રામજનોની હાલત કફોડી બની જવા પામી છે. જે અંગે આ વોર્ડના નગરસેવક રોશનબેન પરમારે જણાવ્યું હતું કે, ગટરના દુષિત પાણી ઘરમાં આવતાં હોવાથી બિમારીનો સામનો કરવાની નોબત આવી છે. સતત વહેતુ ગંદુ પાણી લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભું કરી રહ્યું છે.

તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો રોગચાળો ફેલાવાની સંભાવના પણ સેવાઇ રહી છે. ગ્રામજનોમાં પણ તંત્રની ઢીલી સામે રોષ ઉભો થયો છે. ત્યારે આગામી દિવસોમાં ઉભરાતી ગટરોને બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને વિરોધ પ્રગટ કરશે.

Previous articleમાંડલ યુવકની હત્યા કેસ : ૭ આરોપીની ધરપકડ,પત્ની ગર્ભવતી ન હોવાનો ખુલાસો
Next articleસ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતે ૪૦થી વધુ પ્રોજેક્ટોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે