દ્વિપક્ષીય સંબંધોમાં જારી ખેંચતાણની વચ્ચે કરતારપુર કોરિડોરને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મહત્વપૂર્ણ વાતચીત થઇ હતી. આ વાતચીતમાં ભારત દ્વારા કરવામાં આવેલી અનેક માંગણીઓને સ્વીકાર કરવાની પાકિસ્તાને તૈયારી દર્શાવી હતી. સાનુકુળ માહોલમાં આ વાતચીત યોજાઈ હતી. વાતચીતમાં ભારતે પોતાની તમામ માંગ સ્પષ્ટરીતે રજૂ કરી હતી. પાકિસ્તાન પણ રાવી નદી પર પુલ સહિત અનેક માંગણીઓ ઉપર સહમત થયું હતું. વાઘા સરહદ ઉપર યોજાયેલી આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળે પાકિસ્તાની સામે પોતાની માંગ રજૂ કરી હતી. ભારતે પાકિસ્તાનથી કોરિડોર પર કામ વહેલીતકે પૂર્ણ કરવાની રજૂઆત કરી હતી. ભારત ઇચ્છે છે કે, ૨૦૧૯ સુધી આ કોરિડોરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. એ વખતે ગુરુનાનક દેવની ૫૫૦મી જ્યંતિ મનાવવામાં આવનાર છે. વાતચીતમાં ભારતે પાકિસ્તાન સમક્ષ માંગ કરી હતી કે, તે દરરોજ ૫૦૦૦ શ્રદ્ધાળુઓને દર્શન કરવાની મંજુરી આપે. સાથે સાથે ખાસ પ્રસંગ પર આ સંખ્યાને ૧૦૦૦૦ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતે એવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી કે, પાકિસ્તાન ભારતીય મૂળના લોકો અને ખાસ કરીને જે લોકો ઓસીઆઈ કાર્ડ ધરાવે છે તે લોકોને પણ સુવિધા ઉપલબ્ધ કરાવે. વાતચીતમાં ભારતે પાકિસ્તાન તરફથી બનાવવામાં આવી રહેલા પુલના સંદર્ભમાં માહિતીની આપલે કરી હતી. આની સાથે સાથે પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે કે, તે રાવી નદી ઉપર પોતાની તરફ આવા જ પુલનું નિર્માણ કરે. ભારતે આની પાછળ કારણો પણ દર્શાવ્યા છે. હકીકતમાં ભારતને ભય છે કે, પાકિસ્તાન તરફથી પુલ ન બનવાની સ્થિતિમાં પંજાબમાં વર્તમાન ડેરાબાબા નાનક અને આસપાસના વિસ્તારમાં પુર જેવી સ્થિતિ થઇ શકે છે. ભારત ઇચ્છે છે કે વહેલીતકે પુલનું નિર્માણ કરવામાં આવે જેના ઉપર પાકિસ્તાને તૈયારી દર્શાવી દીધી છે.
આ વાતચીતમાં અન્ય અનેક મુદ્દા ઉપર પણ ચર્ચા થઇ હતી. કરતારપુર સાહિબ કોરિડોરને ઓપરેશનમાં મુકવા માટે રૂપરેખાને લઇને પાકિસ્તાન સાથે બીજા રાઉન્ડની વાતચીત યોજાઈ હતી. ચર્ચા દરમિયાન ભારતે કોરિડોર ઉપર શ્રદ્ધાળુઓની અડચણરુપ યાત્રાની સુવિધાની તરફેણ કરી હતી. બેઠક દરમિયાન બંને પક્ષો ટેકનિકલ સ્તર પર સહમતિ થાય તે રીતે ક્રોસિંગ પોઇન્ટ અને ઝીરો પોઇન્ટ ઉપર સહમત થયા હતા. ભારતે વાતચીત દરમિયાન અન્ય વિવિધ મુદ્દાઓ ઉપર પણ રજૂઆત કરી હતી. ભારતે એમ પણ કહ્યું હતું કે, વિશ્વાસની દ્રષ્ટિએ શ્રદ્ધાળુઓ ઉપર કોઇ નિયંત્રણ રહેવા જોઇએ નહીં. શ્રદ્ધાળુઓને સપ્તાહમાં સાત દિવસ અને સમગ્ર વર્ષ દરમિયાન મંજુરી મળવી જોઇએ. ગ્રુપમાં અથવા તો વ્યક્તિગતરીતે યાત્રા કરવા શ્રદ્ધાળુઓને પસંદગી મળવી જોઇએ. પવિત્ર સ્થળની મુલાકાત લેવા ચાલતા જવાની પણ મંજુરી મળવી જોઇએ.
સાથે સાથે શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ અને લંગરના વિતરણ અને તૈયારી માટે પણ શ્રદ્ધાળુઓને તક મળવી જોઇએ. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ એસસીએલ દાસ દ્વારા કરવામાં આવ્યું હતું જે ગૃહ બાબતોના મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે છે તેમાં જુદા જુદા મંત્રાલયોના અધિકારીઓ રહેલા છે જેમાં વિદેશ, સંરક્ષણના અધિકારીઓ સામેલ છે. ઉપરાંત પ્રતિનિધિમંડળમાં પંજાબ સરકારના પ્રતિનિધિ અને નેશનલ હાઈવે ઓથોરિટિ ઓફ ઇન્ડિયાના અધિકારીઓ પણ સામેલ છે.