સફારી પાર્કમાં વાઘ અને સિંહ સહિતના ઘણા પ્રાણીઓ લવાશે

777

નર્મદા જિલ્લાના કેવડિયાની મુલાકાત દરમ્યાન આજે રાજયના વન્ય અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, કેવડિયા ખાતેના સફારી પાર્કમાં જૂનાગઢ સક્કર બાગ ઝુ ખાતેથી વાઘ, સિંહ સહિતના પ્રાણીઓ લવાશે. માત્ર ભારત જ નહી પરંતુ વિદેશમાંથી પણ ખાસ પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓ મંગાવવામાં આવ્યા છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સફારી પાર્ક સહિતના અનેક આકર્ષણો પર્યટકો-પ્રવાસીઓ માટે ઉભા કરવામાં આવશે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થાય તે નિમિતે આગામી તા.૩૧ ઓક્ટોબર,૨૦૧૯ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ યોજનાર છે, ત્યારે એક વર્ષના ટૂંકા ગાળામાં ૪૦થી વધુ પ્રોજેક્ટોનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જેમાં વન વિભાગના જ સૌથી વધુ એટલે કે, ૩૦થી વધુ પ્રોજેક્ટો છે. જેમાં ૧૩ જેટલા પ્રોજેક્ટો પૂર્ણ છે અને ૧૮ જેટલા પ્રોજેક્ટોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેનું નિરીક્ષણ કરવા માટે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં વિવિધ સ્થળોની મુલાકાત અને કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. આકર્ષણનું કેન્દ્ર બનનારા સફારી પાર્ક પર વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, સફારી પાર્ક માટે ભારતમાંથી વિવિધ રાજ્યોમાંથી ખાસ પ્રાણીઓ લાવવામાં આવશે.

જૂનાગઢના સક્કર બાગ ઝુમાંથી વાઘ, સિંહ સહિતના જંગલી પ્રાણીઓ લાવવામાં આવશે. તો, ભારત જ નહીં પરંતુ વિદેશોમાંથી પણ અલગ-અલગ પ્રાણીઓ અને પક્ષીઓ મંગાવ્યા છે. આમ ૧૮૦૦થી વધુ પશુ-પક્ષીઓ, જળચર અને સરીસૃપો લાવવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં, સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક,ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન, સહિતના અનેક આકર્ષક પ્રોજેક્ટ બનશે. સફારી પાર્કમાં સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, ઉરાન ઉટાંગ, રીંછ, શાહમૃગ, ઓટરિચ, ચિમ્પાન્ઝી, સ્થાનિક કોબ્રા, રસેલ વાઈપર, ક્રેર અજગર જેવા ઝેરી બિન ઝેરી સાપો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. વનમંત્રી ગણપત વસાવાની સાથે મુખ્ય વન સંરક્ષક ડો.સશીકુમાર, સબ ડીએફઓ પ્રતીક પંડ્‌યા, આરએફઓ વી.પી.ગભણીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleટેકનોલોજીની મદદથી દુધાળા પશુઓની સંખ્યા હવે વધારાશે