ટેકનોલોજીની મદદથી દુધાળા પશુઓની સંખ્યા હવે વધારાશે

1232

ભારત સરકાર દ્વારા દુધ આપતા પશુઓની સંખ્યામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી ગોકુલ મિશન હેઠળ એક પ્રોજેક્ટ અંતર્ગત આર્ટિફિશીયલ ઇન્સેમીનેશનની મદદથી શોર્ટેડ સેક્સ સિમન બનાવવામાં આવશે અને આ રીતે માદા પશુઓની સંખ્યામાં વધારો કરાશે. અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય પશુપાલન મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, અમુક લોકો આવા સિમન આયાત કરતા હતા પરંતુ તેની કિંમત વધુ હોવાથી સરકારે આર્ટિફિશીયલ ઇન્સેમીનેશનની મદદથી દેશમાં જ તેને બનાવી ખેડૂતોને આપવાનું નક્કી કર્યું છે. ગિરિરાજ સિંહે આજે અમદાવાદ ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને અમૂલ ડેરીના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી. કેન્દ્રીય પશુપાલન મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ટેકનોલોજીની મદદથી દુધાળા પશુઓની સંખ્યા વધારવા માટે પગલા લઇ રહી છે અને ઓગસ્ટ મહિનાથી ખેડૂતોને આવા સીમનનું વિતરણ કરવામાં આવશે. આના માટે અમુલ સહિતની દેશભરની દૂધ સહકારી મંડળીઓની પણ મદદ લેવામાં આવશે. માછીમારો માટે સર્વેલન્સ સિસ્ટમ ઉભી કરવા મુદ્દે કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, ભારત પાસે અંદાજે આઠ હજાર કિલોમીટરનો દરિયાકિનારો આવેલો છે.

જો કે, દેશમાં ઓછા માછીમારો ડીપ સી ફિશિંગ કરે છે. આનું એક કારણ માહિતીનો અભાવ પણ છે. આને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર માછીમારો માટે સર્વેલન્સ સિસ્ટમ ઊભી કરશે. જેનાથી દરિયાના કયા ભાગમાં વધુ માછલીઓ છે તેની ખબર પડશે. આ ઉપરાંત, દરિયાઈ હવામાન અને સુરક્ષાને લગતી જાણકારીઓ પણ માછીમારોને આ સિસ્ટમ દ્વારા પહોંચાડવામાં આવશે. કેન્દ્રએ તમિલનાડુમાં રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે આ અંગેનો એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ખરવા મોવા જેવા રોગોથી ખેડૂતોને નફામાં લગભગ ૩૦ ટકા જેટલું નુકસાન થાય છે. આથી કેન્દ્રએ આવતા પાંચ વર્ષમાં આ રોગને નાબૂદ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ માટે સરકાર પૂરતા રસીકરણ અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા પર ધ્યાન આપી રહી છે. પશુની નસલ સુધારણાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે સરકાર એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ અને આઈવીએફ ટેકનીક દ્વારા નસલ સુધારણા પર ધ્યાન આપી રહી છે. આગામી દિવસોમાં તેના પણ સારા પરિણામો જોવા મળશે.

Previous articleસફારી પાર્કમાં વાઘ અને સિંહ સહિતના ઘણા પ્રાણીઓ લવાશે
Next articleખુશ્બુના અંતિમ સંસ્કાર વેળા માતા-પિતાની હાલત બગડી