અમદાવાદ જિલ્લાને અડીને આવેલા મહેમદાવાદ તાલુકાના ગામોમાં વન્ય પશુ ઝરખનો ત્રાસ વધી જતા ગ્રામજનો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
અમદાવાદથી મહેમદાવાદના રોડ પરના ગામોમાં રાત્રે જરખ આવીને પાલતું પશુઓ પર હુમલો કરતું હોવાનું ગ્રામજનોનું કહેવું છે જેમાં કેટલાક ગાય-ભેંસ સહિતના પશુઓને બચકા ભરીને ઇજા પણ પહોંચાડી હોવાની વિગતો સામે આવી છે.
અમદાવાદ મહેમદાવાદ રોડ પર ખાત્રજ ચોકડીની આજુબાજુમાં આવેલા રિંછોલ, નેનપુર, આકલાચા, મોટા અજબપુરા, નાના અજબપુરા સહિતના ગામોમાં ઝરખ જોવા મળ્યું છે. જે ખેતરોમાં અને ગામની અંદર રાત્રે હુમલાઓ કરી રહ્યું છે. આ મામલે ગ્રામજનોએ રાત્રિ ઉજાગરા કરીને પહેરો ભરવાની નોબત આવી પડી છે.
આ મામલે ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા પંદરેક દિવસથી ઝરખનો ત્રાસ છે. તે લોકોના પાલતું પશુઓ પર હુમલો કરી રહ્યો છે. અત્યાર સુધીમાં પાંચથી વધુ ગાય, ભેંચ પર હુમલો કર્યો હોવાની ફરિયાદો આવી છે. આ મામલે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
જોકે હજુ સુધી આ હિંસક પ્રાણી હાથમાં આવ્યું નથી. ઝરખના કારણે હવે તો લોકો રાત્રે ખેતરમાં કે રોડ પર એકલા જતા પણ ડરી રહ્યા છે. નોંધપાત્ર છેકે ઝરખ એ શિડયુલ વન પ્રકારનું રક્ષિત પ્રાણી છે. આ પ્રજાતી હાલમાં નામશેષ થવાના આરે છે ત્યારે તેનો શિકાર કરનારને સાત વર્ષ સુધીની સજા અને આર્થિક દંડની જોગવાઇ છે.