અમદાવાદના પૂર્વ, દક્ષિણ ઝોનમાં તૂટેલા રોડ અને પડેલા ભુવાઓએ મુશ્કેલી વધારી

431

અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆતની સાથેેે રોડ પર એકાએક ભુવાઓ પડવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. ગઇકાલે મણિનગર રામબાગ બીઆરટીએસ સ્ટેન્ડ પાસે સ્વામિનારાયણ મંદિરથી કાંકરિયા માર્ગ પર ભુવો પડયો હતો. નોંધપાત્ર છેકે ગત વર્ષે પણ અહીંયા જ ભુવો પડયો હતો. બીજી તરફ શહેરમાં રોડ પર મસમોટા ખાડાઓ પડી જતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ રોડ પર ભુવાઓ પડી રહ્યા છે. ખોદકામ બાદ રોડ સેટલમેન્ટના કામમાં ઢીલાસ, રોડ પર મધ્યમાં જ પડેલા મોટા ખાડાઓ, રોડ વચ્ચેના તૂટેલા ડિવાઇડરો, રોડ લેવલથી ઉંચી-નીચી ગટરોના ઢાંકણા, રોડ પરની ગટરોના તૂટેલા ઢાંકણાઓ વાહનચાલકોની હાલાકીઓ સાથે અકસ્માતનું જોખમ વધારી રહ્યા છે.

સારંગપરથી ઓઢવ સુધીનો રોડ, રખિયાલથી સુખરામનગર સુધીનો રોડ, મણિનગર રેલવે ફાટકથી દક્ષિણી બ્રિજ તરફના માર્ગો, હાટકેશ્વર, સીટીએમ, વસ્ત્રાલથી ખોખરા સુધીના મેટ્રો ટ્રેનના રૂટ નીચેના માર્ગો, નિકોલના લગભગ તમામ એપ્રોચ રોડ, વટવા ગામ તરફના માર્ગો, લાંભા ગામ તરફનો રોડ, ઓઢવથી સીંગરવા ગામ તરફનો રોડ વગેરે બિસ્માર હાલતમાં પડયા છે. જ્યાં રોડ પર મોટા ખાડાઓ પડી ગયેલા છે.

પ્રિમોન્સુન પ્લાન હેઠળ તમામ કામો ચોમાસા પૂર્વે પુરા કરવાના હોવા છતાં મ્યુનિ.તંત્ર દ્વારા હાલમાં પણ મોટાભાગના વિસ્તારોમાં ગોકળગાયની ગતિએ કામો ચલાવાઇ રહ્યા છે. જે શહેરીજનોની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.

Previous articleઅમદાવાદ-મહેમદાવાદ રોડ પરના ગામોમાં વન્ય પશુ ઝરખનો ભય
Next articleમોડાસાના હજીરા ત્રણ રસ્તા પાસે બસ પાછળ રીક્ષા ઘૂસી, ૩ વિદ્યાર્થિનીને ઈજા