S.T. બસોમાં મહિલા કંડક્ટરોની સગર્ભા અવસ્થા દરમિયાન બદલીઓ ન કરવા માગ

744

એસ.ટી.નિગમમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી મહિલાઓની પ્રેગનન્સી પિરિયડમાં બદલીઓ ન કરવામાં આવે તે અંગે ગુજરાત રાજ્ય એસ.ટી.કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. મહિલા કંડક્ટરોની આવી અવસ્થામાં જ જિલ્લા ફેર બદલીઓ થઇ જતા તેઓએ ભારે માનસિક, શારીરિક યાતના ભોગવવી પડી રહી હોવાથી માનવતાના ધોરણે બદલીઓ થતી અટકાવવા માગણી કરવામાં આવી છે.

એસ.ટી.બસમાં મહિલા સગર્ભા કંડક્ટરો સહિતની મહિલા કર્મચારીઓની સ્થિતિને ધ્યાને લીધા વગર જ આડેધડ તેઓની બદલીઓ કરી દેવામાં આવી રહી છે. જિલ્લા ફેરબદલીઓ થતા સગર્ભા અવસ્થામાં તેઓને વતન, પરીવારથી દુર રહેવાની નોબત આવી પડે છે. આ સ્થિતિ અંગે નિગમના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાને દોરાયું હોવા છતાંય તેઓ દ્વારા આજદીન સુધી યોગ્ય કાર્યવાહી કરી નથી.

તેથી આ મામલે યુનિયનો દ્વારા વડાપ્રધાન સુધી પત્રો લખીને મહિલા કંડક્ટરોની સ્થિતિ વિશે અવગત કરાવીને તેઓ માટે સહાનુકુળ વાતાવરણ સર્જવામાં આવે તેવી માગણી કરાઇ છે.

મહિલા કંડક્ટરોની નિમણૂંક તારીખથી વતનથી દુર મૂકવામાં આવે છે. વતનથી દુર રહીને ટૂંકા પગારમાં પોષણક્ષમ આહાર મેળવવો પણ મુશ્કેલ બની રહ્યો છે. પ્રેગનન્સી પિરિયડમાં આવનાર બાળકનું વજન ઓછુ હોવા સહિતની વિવિધ તકલીફો રહેતી હોય છે. આ સ્થિતિમાં સગર્ભા સ્થિતિમાં થતી બદલીઓ અટકાવવાની માગણી ઉઠવા પામી છે.

Previous articleમોડાસાના હજીરા ત્રણ રસ્તા પાસે બસ પાછળ રીક્ષા ઘૂસી, ૩ વિદ્યાર્થિનીને ઈજા
Next articleનવી ટ્રેન ભાવનગર-ઉધમપુરનું પાટનગરમાં સ્વાગત