પાટનગરમાં બેટરી ચાલિત ઇલેક્ટ્રિક રીક્ષાઓ ફરતી કરવાની પ્રવાસન નિગમની યોજના એક વર્ષે પણ અમલી થઇ નથી. પ્રથમ તબક્કે ૨૦ રીક્ષા દોડતી કરવાનો ખર્ચ ટુરિઝમ કોર્પોરેશન ઉઠાવે અને તેનું સંચાલન અને જાળવણીની જવાબદારી મહાપાલિકા કરે તેવી યોજના હતી.
શહેરમાં મહાત્મા મંદિર, અક્ષરધામ, બાલોદ્યાન, સરિતા ઉદ્યાન, નેચર પાર્ક અને રેલ વે તથા બસ સ્ટેશન જેવા જાહેર સ્થળો પર ઇ રીક્ષા મુકવાની હતી. દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, ચેન્નઇ, કોલકાતા જેવા મહાનગરોમાં ઇલેક્ટ્રિક રીક્ષાનો કોન્સેપ્ટ અમલમાં છે. ત્યારે પ્રવાસન નિગમે અમદાવાદ સ્થિત કંપની સાથે ઇ રીક્ષા માટેના કરાર કર્યા હતા, તેના અંતર્ગત ગાંધીનગર ઉપરાંત અન્ય શહેરોમાં ઇલેક્ટ્રીક રીક્ષાઓ મુકવાની હતી.
ગત જુલાઇમાં આ મુદ્દે તત્કાલીન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ કહ્યું હતુ કે સરકારી વિભાગની આ યોજનાનો અમલ કરાશે અને મહાપાલિકા હકારાત્મક રહીને તેની દરખાસ્ત પર નિર્ણય કરશે. જોકે હાલના ડેપ્યુટી કમિશનર ભરત જોષીએ કહ્યું કે ટુરીઝમ કોર્પોરેશનની આવી દરખાસ્ત પેન્ડિંગ મળી નથી.
નોંધવુ રહેશે કે પાટનગરમાં પ્રદુષણ નિયંત્રણ માટે ભૂતકાળમાં એસટીની પોઇન્ટની બસોને પણ સીએનજી કરી દેવાઇ હતી. ત્યારે વાયુ અને અવાજના પ્રદુષણને નિયંત્રણ માટે ઇ રીક્ષાથી નવી શરૂઆત થઇ શકે છે.
પાટનગરમાં ઘણા સમય પહેલા પ્રવાસન નિગમ તરફથી બેટરી દ્વારા સંચાલિત રિક્ષાઓ દોડાવવામા આવશે તેવી જાહેરાત કરવામા આવી હતી પણ આ યોજનાની જાળવણી મનપા કરે તેવી શરત હતી જોકે તે અંગે હજુ કોઈ નિર્ણય નહિ થતા હાલ આ યોજના કાગળ પર રહી ગઈ છે.
રૂપિયા ૧.૨૫ લાખની ૧ એવી ૨૦ ઇ રીક્ષા અપાશે. ચાર્જ થયા પછી ૮૦ કિલોમીટર ચાલતી આ રીક્ષાને દરરોજ ચાર્જ કરવાની અને રાત્રે પાર્ક સુવિધા આપવાની થતી હતી. કમાણીનો હેતુ નથી, પરંતુ ચાજ’ગ, મેન્ટેનન્સ, ડ્રાઇવરના પગાર ખર્ચ નીકળે તેના માટે ચોક્કસ રૂટ પર દોડનારી રીક્ષામાં મુસાફરે ૧૦ રૂપિયા જેવું મામુલી ભાડું લેવાનું હતું.
મહાપાલિકાએ ઇલેક્ટ્રિક બસ દોડાવવાની યોજના પર કામ કર્યુ હતું. બજેટમાં નાણાની જોગવાઈ નથી. આ રીતે શહેરમા જે રીતે અગાઉ આવી બસો દોડાવવા માટે જાહેરાત કરવામા આવી હતી તે યોજના પણ હજુ પુરી થઈ શકી નથી તેથી યોજના આગળ કયારે વધશે તે સવાલ છે.