શહેરના પોષ રોડ તરીકે જેની ગણના થાય છે એવા જ્વેલ્સ સર્કલથી કાળીયાબીડ પાણીની ટાંકીને જોડતા રોડ પર ડ્રેનેજ લાઈનની ટાંકીનું મેનહોલ તુટી જતા ભુવો પડ્યો છે. જીવલેણ અકસ્માત સર્જે તેવા આ ભુવા બાબતે તંત્ર સારી પેઠે વાકેફ હોવા છતાં જવાબદાર તંત્રએ સમારકામ ન કરતા લોકો-વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરમાં કરવામાં આવતા વિકાસ કાર્યોમાં કટકી કરવાનો એક પણ મોકો અધિકારીગણ, કર્મચારીગણ ચુકતા નથી. કોન્ટ્રાક્ટરો સાથે મળી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં માહેર અધિકારીઓ, પદાધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો માનવ જીંદગીને પણ હોડમાં મુકતા અચકાતા નથી. શહેરના જ્વેલ્સ સર્કલથી કાળીયાબીડ પાણીની ટાંકીને જોડતા રોડનો સમાવેશ રીંગરોડમાં થાય છે. આ વિસ્તારમાં આવેલ વસાહતો પોષ વિસ્તાર તરીકે ગણના થાય છે. તાજેતરમાં લાખ્ખો રૂપિયાના ખર્ચે આ માર્ગે બનાવવામાં આવ્યો છે. આ રોડની વચ્ચોવચથી ડ્રેનેજની મેઈનલાઈન પણ પસાર થાય છે. સાત દિવસ પૂર્વે આ ડ્રેનેજ લાઈનની મેનહોલનું ઢાંકણ તુટી જતા મોટો ભુવો પડ્યો છે.
આ ખાડો, વાહન ચાલકો તથા રાહદારીઓ માટે જીવલેણ સાબીત થાય તેમ હોવા છતાં જવાબદાર તંત્રના અધિકારીઓએ તુટેલ ઢાંકણને બદલવાની તકલીફ આજદિન સુધી લીધી નથી.
જેને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ માર્ગ પરથી દરરોજ મહાપાલિકાના અધિકારીઓ તથા રાજકિય અગ્રણીઓ દિવસમાં અનેકવાર પસાર થાય છે છતાં આ ભુવાને લઈને આંખ આડા કાન કરી રહ્યાં છે.
જો તંત્ર સત્વરે પગલા નહીં લે તો જીવલેણ ઘટના ઘટવાની પુરેપુરી શક્યતા રહેલી છે.