હીટ એન્ડ રનની ઘટનાઓમાં ૨૧૬ વ્યક્તિનો ભોગ લેવાયો

443

ગાંધીનગર જિલ્લામાં હાઈવે માર્ગોની સાથે શહેરોના આંતરિક માર્ગો ઉપર પણ રોકેટ ગતિએ દોડતાં વાહનો ગંભીર અકસ્માત નોતરીને ફરાર થઈ જતાં હોય છે ત્યારે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં આવી હીટ એન્ડ રનની ર૧૪ જેટલી ઘટનાઓ બનવા પામી છે જેમાં ર૧૬ વ્યક્તિઓના મોત નીપજયા છે.

જો કે આ સંદર્ભે કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી તે પોલીસ પાસે પણ વિગતો નથી. હીટ એન્ડ રનની વધતી ઘટનાઓના પગલે સીસીટીવી સર્વેલન્સ પણ ગોઠવવામાં આવ્યા છે પરંતુ આરોપીઓના અતાપતા નહીં લાગવાના કારણે તેમને સજા પણ થઈ શકતી નથી.

રાજ્યમાં વાહનોની સંખ્યા વધવાની સાથે અકસ્માતની ઘટનાઓ વધતી હોય છે પરંતુ પહોળા માર્ગો ઉપર રોકેટગતિએ દોડતાં વાહનોના કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે તેમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી હીટ એન્ડ રનની ઘટનાઓ વધી છે જેમાં મૃત્યુઆંક પણ સતત વધી રહયો છે. અગાઉ અકસ્માત થાય તો વાહનચાલક સ્થળ ઉપર ઉભો રહીને ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડતો હતો પરંતુ હવે માનવતા પણ જાણે ભુલાઈ ગઈ હોય તેમ અકસ્માત સર્જનાર વાહનચાલકો પોતાનું વાહન લઈને નાસી છુટતાં હોય છે.

ગાંધીનગર જિલ્લામાં પણ આ જ પ્રકારના ગંભીર ગુનાઓ સતત વધી રહયા છે. જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી હીટ એન્ડ રનની ઘટના ઉપર નજર કરીએ તો આંકડો ચોંકવનારો છે. જેમાં વર્ષ ર૦૧૩-૧૪માં હીટ એન્ડ રનની ૪૩ જેટલી ઘટનાઓમાં ૪૪ વ્યક્તિઓના મોત નીપજયા હતા. જયારે વર્ષ ર૦૧૪-૧૫માં ૪૬ જેટલી ઘટનામાં ૪૭ વ્યક્તિઓ મોતને ભેટી હતી. આ જ પ્રકારે વર્ષ ર૦૧૫-૧૬માં હીટ એન્ડ રનની ૪૧ ઘટનાઓમાં ૪૧ વ્યક્તિઓના મોત થયા હતા. વર્ષ ર૦૧૬-૧૭ની ૪૧ ઘટનામાં ૪૧ અને વર્ષ ર૦૧૭-૧૮માં ૪૩ ઘટનામાં ૪૩ વ્યક્તિઓના મોત થયા હતા.

પોલીસ તંત્ર દ્વારા હાઈવે માર્ગો ઉપર તેમજ શહેરમાં સીસીટીવી સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હોવા છતાં આવો ગંભીર અકસ્માત સર્જીને ભાગી જનાર આરોપીઓ પકડાતાં નથી. પોલીસ તંત્રએ આરોપીઓ સંદર્ભે એવો લુલો બચાવ કર્યો છે કે હીટ એન્ડ રનની ઘટનામાં મોટર વ્હીકલ એકટ ૧૯૮૮ની જોગવાઈ મુજબ વાહન અકસ્માતના ગુનાઓમાં પુરતા પ્રયત્નો કરવા છતાં વાહનની ઓળખ પ્રસ્થાપિત થયેલી ના હોય તેવા કિસ્સાઓનો સમાવેશ થતો હોવાના લીધે હીટ એન્ડ રનની ઘટનાઓમાં વણશોધાયેલ ગુનાઓમાં આરોપીઓની અટક કરવાનો પ્રશ્નનો જવાબ મળી શકે તેમ નથી.

Previous articleશહેરમાં ૨૦ ઇલેક્ટ્રિક રિક્ષા દોડાવવાની વાત અભરાઈએ
Next articleશહેરના નવા સેક્ટરોમાં બુધવારે પાણી પુરવઠો સદંતર બંધ રહેશે