લોકસભામાં સોમવારના દિવસે એનઆઈએ સુધારા બિલ ઉપર ઉગ્ર ચર્ચા થઈ હતી. આ ગાળા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષની શંકાનો જવાબ આપતા કહ્યુ હતું કે, સરકાર આ કાયદાનો દુરઉપયોગ કરવાની કોઈ યોજના ધરાવતી નથી. તેમણે કહ્યું હતું કે, આ કાયદાનો ઉપયોગ આતંકવાદને ખતમ કરવા માટે કરવામાં આવશે. અમિત શાહે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જ્યારે આ કાનુનનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે કોણ કયા ધર્મ સાથે સંબંધિત છે. તે બાબતને જોવામાં આવશે નહીં. અમિત શાહે વિપક્ષી સાંસદોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે, પોટા કાયદાના દુરપયોગના કારણે નહીં બલકે વોટબેંકની રાજનીતિના કારણે ખતમ કરવામાં આવ્યુ હતું. આ ચર્ચા દરમિયાન અમિત શાહ અને વિવાદાસ્પદ નેતા ઔવૈસી વચ્ચે જોરદાર ખેચતાણ જોવા મળી હતી.
વોટિંગ બાદ આ બિલ ઉપર સોમવારના દિવસે પસાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
લોકસભા દ્વારા આજે એનઆઈએ સુધારા બિલ-૨૦૧૯ને લીલીઝંડી આપી દેવામાં આવી હતી. વિરોધમાં માત્ર ૬ મત પડ્યા હતા. આ બિલમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઈએ)ને ખુબ સત્તા આપવામાં આવી છે. આ તપાસ સંસ્થાને ભારતની બહાર કોઈ અપરાધના સંદર્ભમાં મામલાની નોંધણી કરવા અને તપાસના નિર્દેશ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જોરદાર ચર્ચા આ બિલ ઉપર થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આના ઉપર મતવિભાજન ચોક્કસ પણે થાય તે જરૂરી છે. અમે આની માંગ કરીએ છીએ જેથી જાણી શકાશે આતંકવાદની સાથે કોણ છે અને આતંકવાદની સાથે કોણ નથી. મતવિભાજન દરમિયાન ગૃહમાં તરફેણમાં ૨૭૮ મત પડ્યા હતા. જ્યારે વિરોધમાં ૬ મત પડ્યા હતા. મતવિભાજનને લઈને પણ જોરદાર ચર્ચા રહી હતી. ગૃહ રાજયમંત્રી જી કિસન રેડ્ડીએ કહ્યું હતું કે, આ સુધારા બિલનો ઉદ્દેશ્ય છે એનઆઈને મજબુત કરવાનો છે. તેમણે કહ્યું હતું કે, આજે આતંકવાદ એ એક મોટી સમસ્યા છે. મુખ્યમંત્રી, વડાપ્રધાન ત્રાસવાદનો શિકાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, એનઆઈએ દ્વારા ૨૭૨ મામલામાં કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. ૫૨ મામલાના ચુકાદા આવ્યા છે. અમિત શાહ અને ઔવેસી વચ્ચે જોરદાર ખેચતાણ ચાલી હતી. કોંગ્રેસના સમયથી એનઆઈએના કાયદામાં અનેક કાયદાઓને જોડવામાં આવ્યા હતા પરંતુ યોગ્યરીતે કામ થયું ન હતું. અમિત શાહ અને ઔવેસી વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. લોકસભામાં જવાબ દરમિયાન રેડ્ડીએ કહ્યું હતું કે, સરકાર હિંદુ અને મુસ્લિમની વાત કરતી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર આતંકવાદના મુદ્દા પર કઠોર રીતે કાર્યવાહી કરવા ઇચ્છુક છે. આતંકવાદના કોઈ ધર્મ હોતા નથી કોઈ જાતિ હોતી નથી. આતંકવાદ માનવતાની સામે છે. આની સામે લડવા સરકાર, સંસદ અને તમામ રાજકીય પક્ષોની જવાબદારી છે. રેડ્ડીએ કહ્યું હતું કે, કેટલાક સભ્યો દ્વારા ચર્ચા દરમિયાન આતંકવાદ અને ધર્મના મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. પરંતુ સરકારહિંદુ અને મુસ્લિમની વાત કરતી નથી. સરકારને ૧૩૦ કરોડ જનતાની સુરક્ષાની જવાબદારી મળેલી છે. દેશની જનતા ચોકીદાર તરીકે મોદીને સ્વીકાર કરી ચુકી છે.