કાંકરિયા ડિસ્કવરી રાઇડ દુર્ઘટના બાદ રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ખાસ કરીને આગામી દિવસોમાં હવે જાગરણ, શ્રાવણ માસ, જન્માષ્ટમી સહિતના તહેવારો આવવાના હોઇ લોકો ફરવા જાય ત્યારે ખાસ કરીને પોતાના બાળકોને રાઇડ્સ અને અન્ય મનોરંજન પ્રસાધનોમાં બેસાડતા હોય છે, ત્યારે હવે કાંકરિયાની દુર્ઘટના બાદ સરકાર સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત તંત્રના અધિકારીઓએ આવી કોઇ દુર્ઘટના રાજયના અન્ય કોઇ શહેરમાં કે સ્થળ કે મેળામાં ના સર્જાય તે માટેની કવાયત હાથ ધરી છે અને તેના ભાગરૂપે જ આજે સરકાર અને તંત્ર તરફથી જયાં સુધી આવી તમામ રાઇડ્સનું ફિટનેસ અને સલામતી અંગેનું જરૂરી સર્ટિફિકેટ ના મેળવાય ત્યાં સુધી રાઇડ્સ બંધ રાખવાની તાકીદ કરાઇ છે. જરૂરી સર્ટિફિકેટ મેળવાયા બાદ પૂરતા ચેકીંગ અને ખરાઇ બાદ જ રાજયભરમાં હવે રાઇડ્સ શરૂ કરી શકાશે અમદાવાદનાં કાંકરિયામાં બનેલી દુર્ઘટના બાદ હવે વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં પણ મેળાની રાઈડ્ઝનું ચેકિંગ કરવા તંત્રએ આદેશો આપી દીધા છે. એટલું જ નહી, મિકેનિકલ રાઈડઝ માટે માર્ગ મકાન વિભાગ તરફથી સર્ટીફિકેટ લેવા માટે પણ કડક સૂચના આપી છે. રાજકોટના રેસકોર્સ પર આવેલા ફનવર્લ્ડમાં પણ રાઈડઝ માટે સર્ટિફિકેટ લેવા સૂચના અપાઇ છે. આ સાથે જ કડક તાકીદ કરાઇ છે કે, મિકેનિકલ રાઈડઝનું મેન્ટેનન્સ કરવા અને આરએન્ડબી પાસેથી સર્ટિફિકેટ લીધા પછી જ રાઈડ્સ ચાલુ કરી શકાશે. રાજકોટ મહાનગરપાલિકાએ તેના કાર્યક્ષેત્ર હેઠળના રેસકોર્સ ગાર્ડન, ફનવર્લ્ડ વગેરે વિસ્તારોમાં કાર્યરત મોટરાઈઝડ રાઈડ્ઝના ફિટનેસ સર્ટી અને પોલીસ એન.ઓ.સી. રજુ કરવા રાઈડ્ઝ સંચાલકોને આદેશ કર્યો છે. બંછાનિધિ પાનીએ રાઈડ્ઝ સંચાલકો પાસેથી ફિટનેસ સર્ટી અને રાજકોટ શહેર પોલીસના એન.ઓ.સી. મંગાવવા સંબધિત શાખાને આદેશ કર્યો છે. આ આદેશને પગલે એસ્ટેટ વિભાગ દ્વારા રાઈડ્ઝ સંચાલકોને એક પત્ર પાઠવી એક દિવસની મર્યાદામાં આ બંને ડોક્યુમેન્ટ રજુ કરવા સુચના આપવામાં આવી છે. જ્યાં સુધી આ ડોક્યુમેન્ટ રજુ નહિ થાય ત્યાં સુધી રાઈડ્ઝ બંધ રાખવા સ્પષ્ટપણે જણાવાયું છે. જો આ બંને ડોક્યુમેન્ટસ પ્રાપ્ત કર્યા વગર રાઈડ્ઝ સંચાલન થઇ રહ્યાનું જણાશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની તાકીદ પણ કરાઇ છે. તે જે રાઈડ્ઝ મેન્યુઅલ (હાથેથી ફેરવવામાં આવે છે તે) ચલાવાય છે તેને આ આદેશ લાગુ પડતો નથી. અન્ય તમામ મોટરાઈડ્ઝ રાઈડ્ઝ માટે ઉપરોક્ત ફિટનેસ સર્ટી અને પોલીસ એન.ઓ.સી. ફરજીયાત લેવાનું રહેશે. મનપાએ તાત્કાલિક અસરથી તમામ મોટરાઈડ્ઝ રાઈડ્ઝ આજથી જ બંધ કરાવી દીધી હતી. જે જે રાઈડ્ઝ સંચાલકો ઉપરોક્ત બંને ડોક્યુમેન્ટસ મહાનગરપાલિકામાં રજુ કરશે તેને જ રાઈડ્ઝ સંચાલન માટે પરવાનગી આપવામાં આવશે.
આમ, હવે મિકેનિકલ રાઇડ્ઝ માટે જરૂરી સર્ટિફિેકટ મેળવવું ફરજિયા બની જશે અને ત્યારબાદ જ રાઇડ્ઝ શરૂ થઇ શકશે.