કચ્છના માનકુવા નજીક ત્રિપલ અકસ્માતમાં ૧૧ના મોત

695

કચ્છના માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે આજે બપોરે ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા વિચત્ર પ્રકારના ગમખ્વાર અકસ્માતમાં કુલ ૧૧ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે પાંચથી વધારે લોકોને ઈજા પહોંચી હતી.  માનકુવા નજીક ટ્રક, રીક્ષા અને બાઇકના આ ગમખ્વાર ત્રિપલ અકસ્માત અને આટલા બધા મોતને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. જેને પગલે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનારા મૃતકોમાં ચાર મહિલાઓ, ત્રણ બાળકો અને ચાર પુરૂષોનો સમાવેશ થાય છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, કચ્છના માનકુવા નજીક ડાકડાઇ ગામના પાટિયા પાસે માતાના મઢ તરફ જવાના રસ્તા પર પૂરપાટઝડપે જઇ રહેલી ટ્રકની સામે આવતી રીક્ષા અને બાઈક વચ્ચે જોરદાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. વિચિત્ર પ્રકારના આ ગમખ્વાર અકસ્માતમાં રીક્ષા પડીકું વળી ગઈ હતી અને આડી પડી ગઈ હતી. ત્રણેય વાહનોમાં સૌથી વધુ નુકસાન રીક્ષા અને બાઇકનું થયું હતું. મધ્યપ્રદેશથી પેટિયુ રળવા માટે આવેલો અને અંજારના રતલામ પાસે રહેતો પરિવાર કચ્છના દશ દેવી માતા આશાપુરાના દર્શને જઇને પરત ફરતો ત્યારે કાળમુખા ટ્રકે તેમની રીક્ષાને અડફેટે લીધી હતી. તેની સાથે અન્ય એક બાઇક પણ આવી ગયુ હતુ. આ અક્સ્માતમાં કુલ ૧૧ લોકોના કરૂણ મોત નીપજયા હતા. બીજીબાજુ, અકસ્માત બાદ ટ્રકચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે વાહનોની લાબી લાઈનો લાગી હતી, માનકુવાના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. માર્ગ પર એક સાથે આટલા મૃતદેહો જોઇને લોકો ચોંકી ઉઠયા હતા અને સૌકોઇમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Previous articleઅલ્પેશના આવાસે ઠાકોર સમાજ કોર કમિટિ મિટિંગ
Next articleગારિયાધાર શૈક્ષણિક સ્કુલમાં જયાપાર્વતી વ્રતની ઉજવણી