ગુજરાતમાં જુના વાહનોમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) લગાવવા માટેની મહેતલ આવતીકાલે ગુરુવારના દિવસે પૂર્ણ થઇ રહી છે પરંતુ રાજ્યમાં કરોડો વાહનોમાં હજુ એચએસઆરપી નંબર પ્લેટ લગાવવામાં આવી નથી જેથી સમયમર્યાદા વધારીને ૩૧મી માર્ચ કરવા તૈયારી કરી દેવાઈ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ ભાદ રાજ્ય સરકારે તમામ વાહનોમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવાનો આદેશ કર્યો હતો. ૧૫મી જાન્યુઆરી સુધીમાં આ કામગીરી થઇ શકે તેમ ન હોઇ સરકારે ૧૫ ફેબ્રુઆરી સુધીની સમય મર્યાદામાં વધારો કર્યો હતો, પરંતુ આ સમયમર્યાદાનો પણ આવતીકાલે અંતિમ દિવસ છે ત્યારે હજુ પણ ૭૦ ટકાથી વધુ વાહનોમાં નંબર પ્લેટ લગાવવાની બાકી હોઈ આરટીઓ તંત્રની કામગીરીની ક્ષમતાના પ્રશ્નાર્થ વચ્ચે ફરી એકવાર ૩૧ માર્ચ સુધીની સમયમર્યાદા વધારવાના ચક્રો ગતિમાન થયા છે. રાજ્યભરમાં અંદાજે ે કરોડ ત્રીસ લાખ જેટલા વાહનોમાં એચએસઆરપી લગાવવાની કામગીરી ચાલુ છે ત્યારે છેલ્લા બે મહિના દરમિયાન માત્ર ૨૫ લાખ જેટલા વાહનોમાં નંબર પ્લેટ લાગી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે. એકમાત્ર અમદાવાદમાં જો ૧૧ લાખ જેટલા વાહનોમાં નંબર પ્લેટ લગાવવાનો ટાર્ગેટ પુરો કરવો હોય તો રોજની ૨૦૦૦૦થી વધુ નંબર પ્લેટ લગાવવી પડે. અમદાવાદ આરટડીઓમાં રોજની અંદાજે ૧૨૦૦ જેટલી નંબર પ્લેટ જુના વાહનોમાં લાગે છે. આ જોતાં રાજ્યભરના આરટીઓની પરિસ્થિતિ એકસરખી રહેશે તો સરકાર ગમે તેટલી વાર સમયમર્યાદામાં વધારો કરે તો પણ દિલ્હી દૂર રહેશે. આજના એક અંદાજ મુજબ શહેરના ૮૬૦૦૦૦ વાહનો હજુ પણ એચએસઆરપી વગરના છે. આ જ ગોકળગતિએ કામ ચાલે તો વધુ ૧૨ મહિનાના સમયની જરૂર પડે. જૂના નવા વાહનોમાં એચએસઆરપી લગાવવા માટે રાજ્યની તમામ આરટીઓમાં સ્ટાફની કમી છે, જેમાં વધારો કરવા છતાં અને સમય પણ સવારના ૧૦.૩૦ના બદલે ૯થી ૬નો કરવા છતાં કોઇ પણ સંજોગોમાં ૩૧ માર્ચ સુધી કામગીરી પૂરી થવાની શક્યતા નથી. આ અંગે વાહન વ્યવહાર પ્રધાન આરસી ફળદુએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એચએસઆરપી લગાવવાની કામગીરી ઝડપભેર પુરી કરાશે, જો કે, રાજ્યમાં વાહનોની સંખ્યા વધારે હોઇ નિશ્ચિત સમયગાળામાં આ કામગીરી શક્ય નહીં હોઇ ૩૧મી માર્ચ સુધીની સમય મર્યાદા વધારવામાં આવશે અને એ સમયમર્યાદામાં કામગીરી પૂરી થાય તે માટે ડિમ્ડ આરટીઓની સંખ્યા વધારવા સહિતની અનેક બાબતો પર ગંભીરતાથી વિચારણા હાથ ધરાશે.