રાજ્યમાં નજીકના ભૂતકાળમાં યોજાયેલ ચૂંટણીમાં વિરોધ પક્ષ કોંગ્રેસે બેરોજગારીના મુદ્દે ભાજપને બેકફૂટ પર મોકલી દીધું હતું. રાજ્યમાં સતત વધી રહેલા બેરોજગારી આંકને લઈને છેલ્લા ૨૨ વર્ષથી સત્તામાં રહેલું ભાજપ સવાલોના ઘેરમાં છે. ત્યારે નવી ભાજપ સરકારે રાજ્યમાં બેરોજગારી ભથ્થુ અને યુવાનોને સ્કિલ ટ્રેનિંગ માટે રુ. ૩૦૦૦થી રુ.૧૦૦૦૦ સુધીનું માસિક ભથ્થુ અથવા સ્ટાઇપેન્ડ આપવા ગંભીરતાથી વિચારી રહી છે.
રાજ્ય સરકારના આ પગલાને શિક્ષિત અને થોડું ઘણું બેરોજગાર યુવાનો વચ્ચે વ્યાપેલા અસંતોષને ઓછો કરવાનો પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે. શ્રમ અને રોજગાર વિભાગના પ્રધાન દિલિપ ઠાકોરે કહ્યું કે, પહેલા વર્ષે ઓછામાં ઓછા ૧ લાખ યુવાનો આ યોજનાથી લાભાન્વિત થાય તેવી અમારી ઇચ્છા છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્ર સાથે મળીને બેરોજગાર શિક્ષિત યુવાનો અને અક્ષરજ્ઞાન ધરાવતા યુવાનોને ટેક્નિકલ અને નાણાંકીય મદદ મળી રહે તે માટે એક યોજના તૈયાર કરશે. જે અંતર્ગત પહેલા વર્ષે ઓછામાં ઓછા ૧ લાખ યુવાનોને પ્રાઇવેટ સેક્ટરમાં જોબ મળી રહે તે માટે ટ્રેનિંગ દેવામાં આવશે. આગામી બજેટમાં આ માટે સરકાર ખાસ બજેટરી પ્રોવિઝન લઈને આવશે. સૂત્રો મુજબ બેરોજગાર યુવાનોને ૧ વર્ષ સુધી સ્ટાઇપેન્ડ અને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ માટે સરકાર પ્રાઇવેટ કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરશે. જે યુવાનોને ઓન-જોબ ટ્રેનિંગ આપશે અને સાથે ટોકન મની પણ આપશે.