સદ્દગુરૂદેવ સંત પૂ.બજરંગદાસ બાપાના ગુરૂઆશ્રમ બગદાણા ખાતે બડે ધામધૂમ પૂર્વક ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. લાખો શ્રદ્ધાળુ ભક્તજનોની આસ્થાના કેનદ્ર સમા બાપા સીતારામના ધામમાં આજે ગુરૂપૂનમ (મંગળવારે) લાખો ભાવિક ભક્તજનો ઉમટી પડશે.
સમગ્ર ગુરૂઆશ્રમના પરિસર તેમજ નૂતન મંદિરને રંગબેરંગી વીજળીથી જળાહળા કરવામાં આવ્યું છે. પૂ.ગુરૂઆશ્રમ મધ્યેના તમામ દેવાલયોમાં ફુલોના શણગાર પણ કરવામાં આવ્યા છે. ગત રાત્રીથી જ ઉજવણીનો ધમધમાટ પૂરજોશમાં શરૂ રહ્યો છે. ગત ચૌદશનો દિવસ અને રાત્રીના મોટી સંખ્યામાં પૈદલયાત્રીઓ બગદાણાા બાપાના ચરણોમાં શીશ નમાવવા પધારી રહ્યા છે. ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે મંગલા આરતી, ધ્વજાપૂજન, ધ્વજારોહણ અને ગુરૂ પૂજનના કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ ભાવિકો બહેનો-ભાઇઓ જોડાશે.
પ્રતિવર્ષ અષાઢી પૂનમના દિવસે બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઇ છે. ચાલુ વર્ષે પણ ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ભક્તિભાવ સાથે ઉજવવામાં આવનાર આ મહોત્સવમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાક્ષી બનશે. આ મહોત્સવની સફળતા માટે સમગ્ર ટ્રસ્ટી મંડળ, સ્વયંસેવકો તેમજ ભાવિકોએ આગોતરૂં આયોજન કર્યું છે. સરકારી વિભાગો તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગની સેવા અહીં ઉપલબ્ધ બની છે.