અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં સામેલ આરોપી જુનેદ ઝડપાયો

778
guj1522018-9.jpg

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા હાથ લાગી છે. ખતરનાક આતંકવાદી આરીશ ખાન ઉર્ફે જુનેદની આજે ધરપકડ કરવામાં આવી હતી. જુનેદ ઉપર ૧૫ લાખ રૂપિયાનું ઇનામ પણ હતું. પોલીસને મુંબઈ બ્લાસ્ટના પાંચ કેસોમાં જુનેદની શોધ હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદસિંહ કુશવાહે આજે માહિતી આપતા કહ્યું હતું કે, આરીશ ખાન ઉર્ફે જુનેદ ૨૦૦૮માં દિલ્હીમાં થયેલા સિરિયલ બોંબ બ્લાસ્ટ સહિત મુંબઈ બ્લાસ્ટની અનેક ઘટનાઓમાં સીધીરીતે સામેલ હતો. આમા ૧૬૫ લોકોના મોત થયા હતા. કુશવાહે કહ્યું હતું કે, ઝડપાયેલો જુનેદ બોંબ બનાવવામાં નિષ્ણાત છે. તે કુખ્યાત ત્રાસવાદી આતીફ અમીન સાથે જોડાયેલો હતો જે બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. ત્યારબાદ પોલીસને ૨૦૦૭માં ઉત્તર પ્રદેશ બ્લાસ્ટ અને ૨૦૦૮માં જયપુરમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ તેમજ ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં પણ તપાસ હતી. દિલ્હી પોલીસનું કહેવું છે કે, ૨૦૦૮માં બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં થાપ આપીને આ ત્રાસવાદી ફરાર થવામાં સફળ રહ્યો હતો. જુનેદ ઉપર દિલ્હી, ઉત્તરપ્રદેશ, અમદાવાદ સહિત પાંચ જગ્યાઓએ થયેલા બ્લાસ્ટમાં સામેલ હોવાનો આરોપ છે. ઉત્તરપ્રદેશમાં આઝમગઢના નિવાસી જુનેદ ઇન્ડિયન મુઝાહીદ્દીનનો ત્રાસવાદી છે. બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ ફરાર રહેલો જુનેદ ઝડપાઈ ગયા બાદ તેની પૂછપરછ ચાલી રહી છે.  જુનેદના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ સાથે કનેક્શન નિકળી શકે છે જેના ભાગરુપે અમદાવાદ પોલીસ પણ તેની પુછપરછ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા તેની પુછપરછ કરી લેવામાં આવ્યા બાદ અમદાવાદની ટીમ પણ તેની પુછપરછ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલમાં દિલ્હી પોલીસે તેના સંબંધમાં વધુ વિગતો આપી નથી પરંતુ આ ત્રાસવાદીની ધરપકડથી મોટી સફળતા હાથ લાગી છે. ઇન્ડિયન મુઝાહીદ્દીન દ્વારા વિતેલા વર્ષોમાં અમદાવાદ સહિત અનેક જગ્યાઓ બ્લાસ્ટ કરીને મોટી સંખ્યામાં લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જુનેદની ક્યાંથી અને કઇરીતે ધરપકડ કરવામાં આવી તે સંદર્ભમાં હાલમાં માહિતી આપવામાં આવી નથી.
 

Previous articleરૂપાણી સરકાર બેરોજગારોને ૩ હજારથી દસ હજાર સુધીનું માસિક ભથ્થુ આપશે?
Next articleરાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે : રૂપાણી