લંડનઃ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ કહ્યું કે, ઈંગ્લેન્ડે વિશ્વ કપ જીતતા તેનો દેશ બીજીવાર ક્રિકેટ તરફ આકર્ષિત થયો છે. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, મેએ ટાઇટલ જીતનારી ઈંગ્લેન્ડની ટીમ માટે સોમવારે રાત્રે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં એક રિસેપ્શનનું આયોજન કર્યું હતું. મેએ કહ્યું, ’બધાએ મળીને એક શાનદાર થ્રિલર રજૂ કર્યું. તે મેચ અમારા સમયના સૌથી રોમાંચક મુકાબલામાંથી એક છે.’ મેએ ઈંગ્લેન્ડની ટીમને કહ્યું, ’તમે એક એવી ટીમ છો જે આધુનિક બ્રિટનનું પ્રતિનિધિત્વ કરો છો અને તમારી જેમ વિશ્વની અન્ય કોઈ ટીમ રમતી નથી. જ્યારે તમારી જિંદગીની સૌથી મોટી મેચમાં વસ્તુ તમારી વિરુદ્ધ હતી ત્યારે તમે હાર ન માની. આ દ્રઢ સંકલ્પ અને ચરિત્રએ તમને વિશ્વ વિજેતા બનાવ્યા છે.’ તેમણે કહ્યું, ’તમે દેશને બીજીવાર ક્રિકેટ તરફ આકર્ષિત કર્યો છે. અમારી પાસે એવી ટીમ છે જેની આવનારી પેઢી પણ પ્રશંસા કરશે.’