ગુરૂ પૂર્ણિમાના અવસરે કોચ રમાકાંત આચરેકરને યાદ કરીને ભાવુક થયો સચિન, આપી શ્રદ્ધાંજલિ

472

મુંબઈઃ દેશભરમાં આજે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. લોકો પોતાના ગુરૂઓને યાદ કરી રહ્યાં છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પણ પોતાના બાળપણના કોચ રમાકાંત આચરેકરને ગુરૂ પૂર્ણિમાના અવસર પર યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. ભારત રત્ન અને દિગ્ગજ બેટ્‌સમેન સચિન તેંડુલકર અને તેના મિત્ર વિનોદ કાંબલીને ક્રિકેટના પાઠ ભણાવનાર રમાકાંત આચરેકરનું નિધન આ વર્ષે જાન્યુઆરીમાં થયું હતું. આચરેકર ૮૭ વર્ષના હતા.

ગુરૂ પૂર્ણિમાના અવસર પર સચિને પોતાના કોચની સાથે ફોટો શેર કરતા તેમનો આભાર માન્યો છે. સચિને લખ્યું, ’ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુઃ ગુરુદેવો મહેશ્વરઃ! ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મા તસમૈ શ્રીગુરુ વે નમઃ’ પોતાના ટ્‌વીટમાં સચિને આગળ લખ્યું, ’ગુરૂ તે હોય છે જે શિષ્યમાં અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે. તે ગુરૂ બનવા માટે, મને માર્ગ દેખાડવા માટે અને મને તે બનાવવા માટે જે હું આજે છું… આભાર આચરેકર સર.’

મહત્વનું છે કે આચરેકરનું ૧૯૯૦મા દ્રોણાચાર્ય પુરસ્કાર અને ૨૦૧૦મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. ૧૯૩૨મા જન્મેલા આચરેકરે ૧૧ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ પોતે ક્રિકેટમાં મોટુ નામ ન બનાવી શક્યા પરંતુ આચરેકરે ક્રિકેટની દુનિયાને તે મહાન હીરો આપ્યો જેને લોકો આજે સચિન તેંડુલકરના નામથી ઓળખે છે. સચિન પાછલા વર્ષે ગુરૂ પૂર્ણિમાના દિવસે આચરેકરને મળવા માટે તેના ઘરે ગયો હતો અને તેમના આશીર્વાદ લીધા હતા.

Previous articleબ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને આપી શુભેચ્છા
Next articleટી-૨૦ બ્લાસ્ટમાં ઓસ્ટ્રેલિયાઇ બેટ્‌સમેન શોન માર્શની જગ્યાએ ફખર જમાન રમશે