જામીન પર છુટેલા દુષ્કર્મીએ અપહરણ કરી ફરી તે જ મહિલા પર દુષ્કર્મ આચર્યું

675

માલવીયાનગર પોલીસે માયાણી નગર ક્વાર્ટર પાસે ચામુંડાનગર-૧માં રહેતાં ભગવાનજી લક્ષ્મણભાઇ રાઠોડ (ઉ.૪૮) સામે આઇપીસી ૩૬૬, ૩૭૬ (ઇ), ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે આજથી ચાર વર્ષ પહેલા એટલે કે ૨૦૧૫માં ભગવાનજીએ એક સગીરાનું અપહરણ કર્યું હતું અને દુષ્કર્મ ગુજાર્યું હતું. જે તે વખતે અપહરણ, દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધાતાં તેની ધરપકડ થઇ હતી. ત્યારબાદ કોર્ટે ૧૦ વર્ષની સજા કરી હતી. પરંતુ જામીન પર છૂટતા ફરી તે જ સગીરા જે આજે પુખ્ત વયની બની ગઇ છે તેનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું છે.

આ કેસમાં ભગવાનજી એક વર્ષ પહેલા હાઇકોર્ટમાંથી જામીન પર છૂટ્યો છે. દરમિયાન પોતાને જેના કારણે આ સજા પડી તે સગીરા કે જે હાલમાં પુખ્ત વયની થઇ ગઇ છે તેની જેલમાંથી છૂટી ફરીથી શોધખોળ હાથ ધરી હતી અને ગત જાન્યુઆરી માસમાં ૧૭મીએ તેણે યુવતીને શોધી કાઢી હતી અને તારી જુબાનીને કારણે મને સજા પડી છે, હવે તારે મારી સાથે લગ્ન કરવા પડશે, નહીં કર તો તારા ભાઇ અને પિતાને પતાવી દઇશ તેવી ધમકી આપી હતી અપહરણ કરી ગયો હતો. યુવતીને લીંબડીના ભલગામડા ગામે લઇ ગયો હતો. ત્યાં દુષ્કર્મ ગુજાર્યું હતું અને એ પછી ૨૩મીએ તે યુવતીને પોતાના કાકાને સોંપી ધ્યાન રાખવાનું કહીને નીકળી ગયો હતો. ત્યારબાદ ભગવાનજીના કાકાએ યુવતિને પરત ઘરે મુકી ગયા હતાં. યુવતીને તેના ભાઇ-પિતાને મારી નાંખવાની ધમકી આપી હોય તેણીએ પોતાની સાથે દુષ્કર્મ થયાની કોઇને જાણ કરી નહોતી. હવે ફરીથી આ શખ્સ ઘર પાસે આંટાફેરા કરી ધાકધમકી આપતો હોય અંતે આ મામલે તેણીના પરિવારજનોએ માલવીયાનગર પોલીસને જાણ કરતાં ભગવાનજી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

Previous articleહૃદયરોગથી પીડિત નવજાત બાળકીને પોણા ત્રણ કલાકમાં ૧૦૮માં સિવિલ પહોંચાડી
Next articleપ્રો કબડ્ડી લીગ સિઝન ૬ની ફાયનાલીસ્ટ  ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ સ્પર્ધા માટે સજ્જ