ગાંધીનગર-અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ સામે આવી રહી છે જેને લઇને જગતના તાત સહિત સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઇ છે. ભુગર્ભ જળ ઉંડા ઉતરી રહ્યા છે તેવી સ્થિતિમાં ફક્ત ત્રણથી ચાર ઇંચ જેટલા સામાન્ય વરસાદ વચ્ચે ગાંધીનગર જિલ્લામાં કપાસ અને મગફળી સહિત વિવિધ પાકનું ૬૦ હજાર હેક્ટરમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.
જોકે હવે વરસાદ ખેંચાતા વાવેતર કરાયેલા આ વાવેત પર અસર થઇ રહી છે અને પાક મુરઝાવા લાગ્યો છે આગામી દિવસોમાં વધુ વરસાદ ખેંચાશે તો પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સેવાઇ રહી છે અને પાક ફેરબદલી કરવાની પણ નોબત આવે તેવી સંભાવના સેવાઇ રહી છે.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ગાંધીનગરમાં વરસાદની ઘટ પણ વધી છે. આમ, વરસાદને અભાવે જિલ્લામાં વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે ઓછો વરસાદ, કેનાલોમાં પાણી નહીં ગત વર્ષે ઓછો વરસાદ અને બોરના તળિયા નીચે જતા ખેડૂતો ઉનાળા બાદ હવે ચોમાસામાં પણ મુશ્કેલીમાં મુકાયા છે.ચોમાસામાં સમય વિતતો જાય છે.
ચોમાસાના પ્રારંભે ઉત્તર ગુજરાતમાં હળવા દબાણને કારણે છુટાછવાયા વરસાદના ઝાપટા પડયા હતા. જેથી ખેડૂતોએ હોંશે હોંશે પોતાના ખેતરોમાં ખરીફ પાકોનું અત્યાર સુધી ૬૦ હજાર હેકટરમાં મોંઘાદાટ બિયારણો ખરીદીને કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજી સહિતના પાકોનું વાવેતર કર્યુ ંછે.
છેલ્લા ૨૦ દિવસથી ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાયો હોવાથી જગતનો તાત ચિંતિત બન્યો છે. એક તરફ કૃષિ ઉત્પાદન વધવાના દાવાઓ થઈ રહ્યા છે. ત્યાં કૃષિક્ષેત્રની વાસ્તવિકતા જોજનો સુજલામ્ સુફલામ્ જેવી સિંચાઈની યોજનાઓના લાભ મેળવવા ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે.
સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે જો આગામી દસેક દિવસમા ંવરસાદની સ્થિતિ સુધરે નહીં તો ખરીફ પાકો નિષ્ફળ જવાની શક્યતાઓ ખેડૂતો જણાવી રહ્યા છે.
ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ત્રણથી ચાર ઇંચ વરસાદ પણ પડયો નથી તેવી સ્થિતિમાં જિલ્લામાં ૬૦ હજાર હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કરી દીધુ છે ત્યારે હવે વરસાદના અભાવે પાક સામે ખતરો ઉભો થઇ રહ્યો છે આગામી દિવસોમાં વરસાદ પાકને અનુરૂપ ન પડયો તો ખેડૂતોએ મોંઘાભાવના બિયારણો અને કપાસનો ખર્ચો પણ પાકમાંથી નહીં નિકળે અને પાક નિષ્ફળ જશે.
ગાંધીનગર જિલ્લામાં ખરીફ ઋતુમાં સૌથી વધુ કપાસનું ૨૩ હજાર હેક્ટરમાં જ્યારે મગફળીનું પાંચ હજાર હેક્ટર ઉપરાંત શાકભાજીનું સાત હજાર હેક્ટરમાં વાવેતર કરાયું છે. આ ઉપરાંત બાજરી એક હજાર, ડાંગર ૨૨૭, મગ ૨૧૫, અડદ ૧૬, મઢ ૨ , જુવાર એક હજાર તથા ઘાસચારો ૧૭ હજાર હેક્ટરમાં વાવવામાં આવ્યો છે. જિલ્લામાં સરેરાશ ખરીફ ઋતુમાં ૧.૫૦ લાખ હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ ખેતીવાડી વિભાગ દ્વારા દાવો કરવામાં આવે છે.