દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને માનહાનિના કેસમાં આજે જામીન મળી ગયા હતા. આની સાથે જ બંનેને મોટી રાહત થઇ હતી. તેમની સામે આ કેસ દિલ્હીમાં ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. આ પહેલા કોર્ટે બંનેને સમન્સ જારી કરીને ૧૬મી જુલાઇના દિવસે કોર્ટમાં હાજર થવા માટે આદેશ કર્યો હતો. કેજરીવાલ હાલમાં બિલકુલ ચર્ચામાં દેખાઇ રહ્યા નથી. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓનો મોદી લહેર વચ્ચે જોરદાર સફાયો થયો હતો. આવી સ્થિતીમાં તેમની પાસે આક્ષેપ કરવા જેવા કોઇ મુદ્દા નથી. કેજરીવાલ અને મનીષ સિસોસિયાએ ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તા પર કેજરીવાલની હત્યાના કાવતરા ઘડવાનો આરોપ મુક્યો હતો. આ તમામ આરોપો ટ્વીટર પર ટ્વીટ કરીને કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિજેન્દ્ર ગુપ્તાએ કેજરીવાલ અને સિસોસિયાથી પહેલા માફી માંગવા માટે કહ્યુ હતુ.
ત્યારબાદ અંતે માનહાનિનો કેસ કરી દીધો હતો. ગુપ્તાએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે બંને નેતાઓ દ્વારા જે આરોપો મુક્યા હતા તેના કારણે તેમની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. કેજરીવાલે એ વખતે કહ્યુ હતુ કે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જેમ તેમના સુરક્ષા કર્મી ભાજપના ઇશારા પર તેમની હત્યા કરી શકે છે.
ભાજપ તેમના બોડીગાર્ડ મારફતે તેમની હત્યા કરાવી શકે છે તેવો આક્ષેપ કેજરીવાલે કર્યો હતો. ગુપ્તાએ કહ્યું હતું કે, કેજરીવાલે આડેધડ આક્ષેપો કર્યા હતા. મામલામાં બંને નેતાઓને ૧૦-૧૦ હજાર રૂપિયાના બેલ બોન્ડ ઉપર છોડવામાં આવ્યા છે. કેજરીવાલ સામે માનહાનિના અનેક કેસો રહેલા છે. અનેક કેસોમાં માફી પણ માંગી ચુક્યા છે.