ભારે વરસાદના કારણે હાલમાં દેશના વાણિજ્ય પાટનગર મુંબઇની હાલત કફોડી બની હતી. મુંબઇમાં ભારે વરસાદના કારણે હાલમાં અનેક પ્રકારની તકલીફ લોકોએ ઉઠાવ્યા બાદ આજે મુંબઇના ડોંગરી વિસ્તારમાં એક ચાર માળની ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી જેમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થઇ ચુક્યા છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો કાટમાળ હેઠળ હોવાથી મોતનો આંકડો ખુબ વધી શકે છે. ઘાયલ થયેલા સાત લોકોને કાટમાળ હેઠળથી બહાર કાઢવામાં આવ્યા છે. ૪૦થી ૫૦ લોકો હજુ પણ ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ૧૫થી વધુ પરિવારના લોકો કાટમાળ હેઠળ ફસાયેલા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના તમામ પ્રયાસ ચાલી રહ્યા છે. ડોંગરી વિસ્તારમાં કૌસરબાગ નામની ચાર માળની ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી. આજે એકાએક ઇમારત તુટી પડી હતી. સુત્રોએ કહ્યુ છે કે ઇમારત ધરાશાયી થવાના કારણે તેમાં રહેતા તમામ લોકો કાટમાળ હેઠળ ફસાઇ ગયા છે. ઇમારત સાંકડી શેરીમાં હોવાના કારણે બચાવ અને રાહત કામગીરી આડે ભારે તકલીફ આવી રહી છે. ઘટનાસ્થળ પર એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઇ છે. આ ઇમારતની નીચે દુકાનો હતી. જ્યારે ઉપરના માળમાંલોકો રહેતા હતા. હાલમાં ઓછામાં ઓછા ૧૫ પરિવારના લોકો આમાં રહેતા હતા. ઇમારતના કેટલાક ભાગ જર્જર હતા. આ ઇમારત કોઇ પણ સમય પડી જશે તેવી દહેશત તો પહેલાથી જ રહેલી હતી. કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં નારાજગી દેખાઇ રહી છે. ઇમારત ધરાશાયી થવાનો અવાજ દુર સુધી સંભળાયો હતો. પોલીસ અને વહીવટીતંત્રના લોકો પણ તરત જ ઘટનાસ્થળ પર પહોંચીગયા છે. મુંબઇમાં હાલમાં રેકોર્ડ વરસાદ થયો હતો. ચારેબાજુ જળબંબાકારની સ્થિતી રહી હતી. જુના મકાનો અને સોસાયટીમાં ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. સ્થાનિક લોકોએ કહ્યું છે કે, ડોંગરી વિસ્તારમાં કેસરબાઈ નામની આ ચાર માળની ઇમારત ૧૦૦ વર્ષ જુની છે.
આજે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ એકાએક આ ઇમારત ધરાશાયી થઇ હતી જેથી લોકો ફસાઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું છે કે, મુંબઈના ડોંગરી વિસ્તારમાં ઇમારત ધરાશાયી ઘટના પીડાદાયક છે. મહારાષ્ટ્રના આવાસમંત્રી વિખે પાટીલે કહ્યું છે કે, ૧૨ લોકોના મોત થઇ ચુક્યા છે. એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની મદદથી રાહત કામગીરી ચાલી રહી છે પરંતુ વિસ્તારમાં જગ્યા નહીં હોવાથી તકલીફ થઇ રહી છે. બનાવથી અસરગ્રસ્ત લોકોને બીએમસીએ ઇમામબાળા મ્યુનિસિપલ સેકન્ડરી સ્કુલમાં રાખવામાં આવ્યા છે. લોકોને ત્યાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જે વિસ્તારમાં ઇમારત ધરાશાયી થઇ ત્યાં આસપાસની ઇમારતોને પણ ખાલી કરાવી લેવામાં આવી છે. મૃત્યુ પામનાર લોકોમાં એક બિલ્ડિંગના માલિક અબ્દુલ સત્તાર કલ્લુશેખ પણ સામેલ છે. આ ઉપરાંત મૃતકો પૈકી કેટલાકની ઓળખ થઇ ચુકી છે જેમાં શાબિયા નિશાર શેખ, અબ્દુલ સત્તાર કાલુ શેખ, મુઝામિલ મન્સુર સલમાની અને શાયરા રેહાન શેખનો સમાવેશ થાય છે.