વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના જાણીતા મહાકાળી સેવ ઉસળની ત્યાં દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન સેવ ઉસળ બનાવવામાં ઉપયોગમાં લેવાતી વિવિધ ચીજવસ્તુઓનું ચેકિંગ કરીને સેમ્પલો લેવામાં આવ્યા હતા.
ફૂડ સેફ્ટી વિભાગના ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, શહેરીજનોને શુદ્ધ ખોરાક મળે તે માટે ખાણી-પીણીની લારીઓ ઉપર અવાર-નવાર ચેકિંગ કરવામાં આવે છે. કિર્તી સ્તંભ પાસે આવેલા મહાકાળી સેવ ઉસળની દુકાન અને લારી ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન સેવઉસળ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પાણી, મસાલા, ચટણી, સેવ, વટાણા અને પાઉં સહિતની ચિજવસ્તુઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને વિવિધ ચિજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. સેવ ઉસળની દુકાન અને લારીઓ ઉપરથી લેવામાં આવેલા નમૂના પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે.
મહાકાળી સેવ ઉસળ ઉપરાંત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતી સેવઉસળની દુકાનો અને લારીઓ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને નમૂના લઇને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગત સપ્તાહમાં પાણી-પુરીના યુનિટો ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને અખાદ્ય જણાઇ આવેલ ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો.