કાંકરિયા બાલવાટિકામાં ડિસ્કવરી રાઈડસ દુર્ઘટના પ્રકરણમાં આજે ગાંધીનગરમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં ડીજીપી શિવાનંદ ઝા, પોલીસ કમિશનર એ.કે સિંઘ, મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમ્યાન ગૃહરાજયમંત્રીને આ સમગ્ર પ્રકરણમાં એફ.એસ.એલ રિપોર્ટ સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો મુજબ, પાઇપ વજન ખમી શકે તેવી હાલતમાં નહોતો અને તેમાં કાટ પણ લાગી ગયો હોવાથી આ ઘટના બની હોવાનું તારણ અપાયું હોવાનું મનાઇ રહ્યું છે. માત્ર એટલું જ નહીં, પાઈપ અને જોઈન્ટનું મેન્ટેનન્સ કરવામાં આવતું નહોતું તે વાત પણ સામે આવી છે. ખાસ કરીને રાઈડના કેટલાક બોલ્ટમાં કાટ લાગી ગયો હતો. પાઈપની અંદર લોખંડના રસા હતા એ પણ તૂટી ગયા હતા. આ રસા પાઈપ તૂટે ત્યારે તેને સપોર્ટ આપવા માટે મુકવામાં આવે છે, પરંતુ રસા તૂટી જતા રાઈડનો છેલ્લો સપોર્ટ પણ ભાંગી પડ્યો હતો, રાઇડ પૂરતું વજન ઉપાડવા સક્ષમ ન હતી, તેનુ અસલ મટીરીયલ જ નબળુ પડી જતાં આખરે આ સમગ્ર દુર્ઘટના સર્જાઇ હતી.
બીજીબાજુ, કાંકરિયા રાઈડ્સ દુર્ઘટના પ્રકરણમાં સ્થાનિક સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની સાઠગાંઠ બહાર આવી છે.
કોન્ટ્રાક્ટર ઘનશ્યામ પટેલનો ભત્રીજો અને રાઈડ ઓપરેટર યશ મહેન્દ્ર પટેલ જાતે જ સહી કરીને રાઈડની સુરક્ષાનું સર્ટિફિકેટ બનાવતો હતો. તા.૬ જુલાઈના સેફ્ટી રિપોર્ટમાં પણ એન્જીનીયર તરીકે યશ પટેલની જ સહી હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર કેસમાં એસીપી જે.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે, તમામ રાઈડસની ચકાસણી કરી અને યશ પટેલ જ રિપોર્ટ પર સહી કરતો હતો. યશ પટેલના નિવેદન મુજબ પોતે ડિપ્લોમા મિકેનિકલની ડિગ્રી ધરાવે છે. જો કે, હાલ તેની ડિગ્રીના ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા છે અને તેની તપાસ કરવામાં આવશે. જ્યાં સુધી તમામ રાઈડસની ફિટનેસ અંગેની પુરી ચકાસણી ન થાય ત્યાં સુધી રાઈડ્સ ચાલુ ન કરવા કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, એજન્સીના જ માણસો ફિટનેસ અંગેનો રિપોર્ટ બનાવી કોર્પોરેશનમાં આપી દેતા હતા અને કોર્પોરેશન તંત્ર આ રિપોર્ટની કોઈ તપાસ જ કરતું ન હતું. આ કેસમાં રાઇડ્સના સંચાલક આરોપી ઘનશ્યામ પટેલ, તેના પુત્ર ભાવેશ પટેલ, તુષાર શાહ, કિશન મોહંતી, યશ પટેલ અને મનીષ વાઘેલા એમ છ આરોપીને કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, કાંકરિયા રાઇડ્સ દુર્ઘટનામાં બે લોકોના મોત નીપજયા હતા, જયારે ૨૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.