જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણી આગામી તા.૨૧ જુલાઇએ યોજાનાર છે, ત્યારે થોડા સમય પહેલાં જ જૂનાગઢ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કોંગ્રેસના શહેર પ્રમુખ વિનુભાઇ અમીપરા આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમને કેસરિયો ખેસ પહેરાવી તેમનું ભાજપમાં સ્વાગત કર્યુ હતું. આ ઉપરાંત ૧૫થી વધુ કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં જોડાતા જૂનાગઢ કોંગ્રેસમાં ચૂંટણી પહેલાં જ મોટુ ગાબડુ પડ્યું છે.
ચૂંટણી પહેલા જ શહેર કોંગ્રેસના દિગ્ગજો ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપમાં જોડાયા બાદ વિનુભાઇ અમીપરાએ જણાવ્યું હતું કે, કોઈ અપેક્ષા વગર ટીમ સાથે ભાજપમાં જોડાયો છું. કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા પાયાના કાર્યકર્તાઓને અન્યાય કરવામાં આવતો હતો. કોંગ્રેસ પાર્ટીમાં અસામાજીક તત્વોને વધુ મહત્વ આપવામાં આવે છે. ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ વિનુભાઇ અમીપરા ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા છે. અમીપરાના ફોનમાંથી મિસકોલ કરી જીતુ વાઘાણીએ તેઓને પ્રાથમિક સભ્ય બનાવ્યા હતા. તેમજ તેની સાથે ભાજપમાં જોડાનાર સમર્થકોને પણ સભ્ય બનાવ્યા હતા. અમીપરા લેઉવા પાટીદાર સમાજનો સારો ચહેરો ઉપરાંત યુવા નેતા તરીકે જૂનાગઢમાં ઓળખ ધરાવે છે.
આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જ્ઞાતિ, જાતિ, ધર્મ સંપ્રદાયના નામે ૨૦૧૭માં મત મેળવ્યા તેમ છતાં ૨૦૧૭માં કોંગ્રેસ સત્તા પર ન આવી. ૨૦૧૯માં જનતાએ પોતે કરેલી ભૂલનું પુનરાવર્તન ન કર્યું. ૨૦૧૭માં ભાજપને જ્યાં નુકસાન થયું હતું, ત્યાં ૨૦૧૯માં નુકસાન નથી થયું. કોંગ્રેસના વોક ઓવરની શરૂઆત જૂનાગઢથી થશે અને ૨૦૨૨માં ગુજરાતમાં કોંગ્રેસ વિપક્ષ પદ ગુમાવશે. વિનુભાઇ જેવા પ્રામાણીક માણસોને કોંગ્રેસે અન્યાય કર્યો છે. કોંગ્રેસે જૂનાગઢની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં પૈસા લીધા છે. અમીપરાની સાથે તેના ૧૫થી વધુ સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા. જેમાં વર્ષાબેન વડુકર, ફિરોઝભાઈ નાયબ, બકુલભાઈ ભુવા, વર્ષાબેન લીંબડ, દિપકભાઈ મકવાણા, લાલીતાબેન ખુમાણ, નાગજીભાઈ હિરપરા, વિનુભાઈ ડાંગર, કિશોરભાઈ સાવલિયા, લક્ષ્મણભાઈ રાવલિયા, ઘનશ્યામભાઈ પોકિયા, અશ્વિનભાઈ રામાણી, ઇસ્માઇલભાઈ દલ, ભાવનાબેન ધડુક, કૈલાસબેન વેગડા, સમીરભાઈ રાજા, હરિભાઈ હુણ અને પરષોત્તમભાઈ પાટોળીયાનો સમાવેશ થાય છે. ચૂંટણી પહેલાં જ જૂનાગઢ કોંગ્રેસમાં ગાબડું પડતાં સ્થાનિક રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો હતો.