બે દિવસ પહેલાં ભુજ તાલુકાના સામત્રા અને માનકુવા નજીક ડાકડાઇ ગામના પાટીયા પાસે પેસેન્જર છકડા જી.જે.૧૨-બીયુ-૦૫૭૧ તથા મોટર સાયકલથી માતાનામઢ દર્શન કરી પરત આવતા હતા, તે સમયે સામેના રોડ પર સામેથી પુરપાટ આવતી ટ્રક જી.જે.૧૨-એડબ્લ્યુ-૮૮૨૯ના ચાલકે તેની આગળ જતી ટ્રકને ઓવર ટેક કરીને ગંભીર અકસ્માત સર્જાયો હતો. છકડો રીક્ષા, ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા આ ત્રિપલ અકસ્માતમાં નિર્દોષ ૧૨ લોકોના કરૂણ મોત નીપજયા હતા., જયારે અન્ય છ વ્યકિતઓને ઇજા પહોંચી હતી. આ ગમખ્વાર અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લઇ સ્થાનિક આરટીઓ અધિકારીઓએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર પ્રકરણમાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રથમ દ્રષ્ટિએ જ ટ્રક ડ્રાઇવરની ગંભઈર બેદરકારી અને ભૂલ સામે આવતાં આરટીઓ સત્તાધીશોએ ટ્રક ડ્રાઇવરનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી.
બીજીબાજુ, આ ગમખ્વાર અક્સ્માતમાં ભોગ બનેલા મૃતકોના મૃતદેહો તેમના મધ્યપ્રદેશના વતન રમતાલ જિલ્લાના તાજખેડા ગામે પહોંચતાં ગ્રામજનોમાં શોકનો માતમ છવાયો હતો. મૃતકોની અંતિમવિધિ તેમના ગામ ખાતે જ ભારે શોકમય માહોલ અને કરૂણ આક્રંદ વચ્ચે સંપન્ન કરવામાં આવી હતી. તો, આટલો મોટો ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જયા બાદ ફરાર થઇ ગયેલા ટ્રક ડ્રાઇવર રમેશ કુંભાભાઇ સંજોટને માનકુવા પોલીસે રાપર ખાતેથી ઝડપી પાડ્યો હતો. દારૂપીને, વન વેમાં કે પછી જીવલેણ અકસ્માત સર્જવામાં આવે તો વાહનચાલકનું લાઇસન્સ કાયમી માટે રદ્દ કરવાની જોગવાઇ હોવાનું આરટીઓ અધિકારી દિલીપ યાદવે જણાવ્યું હતું. તેથી આ જોગવાઇના આધારે ટ્રક ડ્રાઇવર રમેશ સંજોટનું ડ્રાઇવીંગ લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. આરટીઓ અને તેમની ટીમ બનાવ સ્થળે ધસી ગઇ હતી અને પ્રથમ નજરે ટ્રક ચાલકનો વાંક હોય તેવું સામે આવ્યું હતું, પોલીસ કાગળો અને રિપોર્ટ મોકલશે ત્યારે તેનું લાઇસન્સ રદ્દ કરાશે એમ આરટીઓ દીલીપ યાદવે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગમખ્વાર અકસ્માત સર્જીને નાસી ગયેલા રમેશ કુંભાભાઇ સંજોટને સોમવારે રાત્રે બી-ડિવીઝન પોલીસે રાપર નજીકથી અટકાયત કરી લીધી હતી, બાદમાં મંગળવારે સવારે તેની વિધીવત ધરપકડ બતાવી આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે, આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.